સુરક્ષાદળોએ આતંકીઓના ઠેકાણા પર દરોડા પાડયા, ૧૫ ઠાર: એક આતંકીએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી: વારંવાર બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર દેશમાં ભયનો માહોલ
શ્રીલંકામાં ગત રવિવારે થયેલા સીરિયલ બ્લાસ્ટમાંથી હજુ સુધી લોકો બહાર નથી આવી રહ્યા, ત્યાં વધુ એકવખત કલમુનાઇમાં ત્રણ બ્લાસ્ટે આખા શ્રીલંકાને હચમચાવી નાખ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, બ્લાસ્ટમાં કોઇ જાનમાલનું નુકસાન નથી થયું, પરંતુ પ્રાથમિકત માહિતી અનુસાર બ્લાસ્ટની ઘણી તીવ્રતા હતી. બ્લાસ્ટની જાણકારી મળતા જ સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. શ્રીલંકા પોલીસે સીરિયલ બ્લાસ્ટ સાથે જોડાયેલા સંદિગ્ધો વિરૂદ્ધ ઓપરેશન વધુ ઝડપી બનાવ્યું છે. શનિવારે સિક્યોરિટી ફોર્સે બટ્ટીકલોઆમાં સીરિયલ બ્લાસ્ટની જવાબદારી લેનાર આતંકી સંગઠન આઇએસ અને નેશનલ તૌહિથ જમાત (એનટીજે) સાથે જોડાયેલા ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ કર્યુ. એક આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો છે. તેમાં ૧૫નાં મોત થયા હતા.
શ્રીલંકા પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, ઘટનાસ્થળથી ૧૫ શબ મળ્યા છે. જેમાં ચાર સંદિગ્ધ આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ છે. આ ઉપરાંત ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. શ્રીલંકાના સમ્મનથુરાઇ શહેરમાં પણ સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ, જેમાં બે આતંકીઓના મોત થયા, આ ઘટનામાં એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું છે. શ્રીલંકાના સીરિયલ બ્લાસ્ટથી આતંક ફેલવાનારાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. સ્થાનિક તપાસ એજન્સી સંદિગ્ધોને પકડવા માટે મેરાથોન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જેમાં અત્યાર સુધી ૭૫થી વધુ લોકોની ધરપકડ થઇ છે.
ઇસ્ટર્ન પ્રાંતના એક વિસ્તારમાં સુરક્ષાબળોની હથિયારબંધ લોકો સાથે અથડામણ થઇ. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, સુરક્ષાબળોએ શુક્રવારે સાંજે ઇસ્ટર્ન પ્રાંતમાં એક ઠેકાણાં પર દરોડા પાડ્યા. આ દરમિયાન અહીં એક સંદિગ્ધે પોતાને બોમ્બથી ઉડાવી લીધો, કોલંબોથી ૩૨૫ કિમી દૂર કોસ્ટલ સિટી સમ્મનતુરઇમાં સિક્યોરિટીના ફાયરિંગમાં ૧૫ સંદિગ્ધોના મોત પણ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ વિસ્ફોટકોનો મોટો જથ્થો, એક ડ્રોન અને ઇસ્લામિક સ્ટેટના લોગોવાળું એક બેનર જપ્ત કર્યુ છે. ન્યૂઝ એજન્સી અનુસાર, શ્રીલંકામાં આઇએસના સભ્યોને દર્શાવતા એક વીડિયોમાં જે પ્રકારે કપડાં પહેર્યા હતા, તે દરોડામાં મળેલા આઇએસની પૃષ્ઠભૂમિ સાથે મળતા આવતા હતા. ૨૫૩ લોકોના મોતવાળી આ દર્દનાક ઘટના પર શુક્રવારે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે, આઇએસઆઇએસ સાથે જોડાયેલા સ્થાનિક આતંકવાદી સંગઠનો તરફથી રજૂ કરવામાં આવેલા જોખમને પહોંચી વળવા માટે દેશને નવા કાયદાની જરૂર છે. આતંકવાદને પહોંચી વળવા માટે દેશમાં મજબૂત કાયદો નથી. ઉલ્લેખનીય છે કે, ૨૧ એપ્રિલના રોજ ખ્રિસ્તી સમુદાયના ઇસ્ટર પ્રસંગે શ્રીલંકાના અલગ અલગ ૮ સ્થળોએ સીરિયલ બ્લાસ્ટ થયા હતા અને આ હુમલામાં ૨૫૩ લોકોનાં મોત થયા છે અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસ લીધી છે. ગુરૂવારે પ્રેસિડન્ટ સિરિસેનાએ સુરક્ષાબળોથી થયેલા આ મોટી ચૂકને જોતાં રક્ષા સચિવ હેમસિરી ફર્નાન્ડો અને પોલીસ પ્રમુખ પુજીત જયસુંદરાને રાજીનામુ આપવાનું કહ્યું હતું. શ્રીલંકન સરકારે સ્વીકાર કર્યો કે, સીરિયલ બ્લાસ્ટ થવાની સુચના અગાઉથી જ મળી ગઇ હોવા છતાં દેશમાં આ પ્રકારે આતંકી ઘટના થવી સુરક્ષામાં મોટી ચૂકને દર્શાવે છે.