કેમ્પનાં ફોર્મ ૨૫મી સુધી સ્વીકારવામાં આવશે
સરકારની માં અમૃતમ કાર્ડ તથા માં વાત્સલ્ય કાર્ડ પાટીદાર પરીવારનાં જરૂરીયાતમંદ, લાયકાત ધરાવતા પરીવારો માટે ખુબ જ જરૂરી છે અને સરકારની આ યોજના ખુબ જ સારી છે, આ યોજનાનો લાભ પાટીદાર પરીવારનાં શહેરમાં રહેતા લોકો સુધી પહોંચાડવા માટે કલબ યુવી ભગીરથ પ્રયાસ કરી રહી છે. આ અન્વયેની પ્રથમ મીટીંગમાં ૧૦૦૦થી વિશેષ ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર પરીવારનાં ઘરે ઘરે માં અમૃતમ કાર્ડ તથા માં વાત્સલ્ય કાર્ડ હોવું જોઈએ તેવા ઉમદા વિચારો સહિતની માહિતી મહાનગરપાલિકાનાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અને કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલે આપેલ. કલબ યુવીનાં ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ માં અમૃતમ કાર્ડ તથા માં વાત્સલ્ય કાર્ડની મધ્યમ વર્ગ માટે માંદગી સમયે શું મહત્વતા, જરૂરીયાત સહિતની બાબતોથી માહિતગાર કરેલ.
કલબ યુવીનાં એમડી મહેન્દ્રભાઈ ફડદુએ જણાવેલ કે, છેલ્લા ૧૧ વર્ષમાં કલબ યુવીએ પાટીદાર પરીવારને વ્યકિત સાથે જોડવા સહિતની અનેકવિધ પ્રવૃતિઓ કરે છે. હંમેશા માંદગીની સારવાર મોંઘી થઈ રહી છે ત્યારે ફેમિલીમાં અણધારી ગંભીર માંદગી આવી પડે તો તેનો આર્થિક બોજ કોઈ વખત સમગ્ર કુટુંબની આર્થિક વ્યવસ્થાની ખોરવી નાખે છે ત્યારે ગુજરાત સરકારની માં અમૃતમ/ માં વાત્સલ્ય યોજના ખુબ જ મદદકર્તા બની રહે છે. કોર્પોરેશનની આરોગ્ય સમિતિ દ્વારા પાટીદાર પરીવાર માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ થકી ખુબ જ સરળતાથી કાર્ડ બની શકે તેમ હોય જે પાટીદાર પરીવારને કાર્ડ બનાવવાનું બાકી હોય તેઓ ફોર્મ ભરી દે તેવો અનુરોધ કરાયો હતો. કલબ યુવી દ્વારા આ કેમ્પનાં ફોર્મ તા.૨૫/૧૨/૨૦૧૯ સુધી સ્વીકારવામાં આવશે, કોઈપણ પ્રકારની મદદ માટે કલબ યુવી ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે.
મહાનગરપાલિકાનાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અને કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલે યોજનાની માહિતી આપતા જણાવેલ કે, માં અમૃતમ કાર્ડ તથા માં વાત્સલ્ય કાર્ડ વિનામુલ્યે કાઢી આપવામાં આવે છે જેમાં કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ આ કાર્ડ જેમની પાસે હોય તેમનાં પરીવારને વાર્ષિક રૂ.૫ લાખ સુધીની ઉતમ પ્રકારની વિનામુલ્યે સારવાર મળી શકે છે. પુષ્કરભાઈ પટેલે વિશેષમાં જણાવેલ કે, આ કાર્ડમાં હૃદય, કિડની, મગજનાં રોગો, અકસ્માતનાં કારણે થયેલ ગંભીર ઈજાઓ, નવજાત શિશુઓનાં ગંભીર રોગો, કેન્સર (કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), ઘુંટણ અને થાપાનાં રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બિમારીઓ, દાઝી ગયેલની બિમારી સહિતનાં નિયત થયેલ રોગો માટે શહેરની નામાંકિત હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવાર મળે છે.
કલબ યુવીનાં બોર્ડ ઓફ ડાયરેકટરોમાં મૌલેશભાઈ ઉકાણી, ચેરમેન, સ્મિતભાઈ કનેરીયા, વાઈસ ચેરમેન, મહેન્દ્રભાઈ ફડદુ, એમડી, શૈલેષભાઈ માકડિયા, એમ.એમ.પટેલ, જીવનભાઈ વડાલીયા, જવાહરભાઈ મોરી, મનુભાઈ ટીલવા, કાંતિલાલ ઘેટીયા ફરજ બજાવી રહ્યા છે. આ મિટીંગમાં કોર કમિટી, ૧૦૮ની કમિટી, બિઝનેસ વિંગ, વિમેન્સ વિંગ, સાંસ્કૃતિક કલબ, કરાઓકે કલબ સહિતનાં હોદેદારો હાજર રહેલ.