સ્વાઈનફલુ વોર્ડમાં ૧૪ દર્દી સારવાર હેઠળ: ૧૧ના રિપોર્ટ પોઝીટીવ
સૌરાષ્ટ્ર-કચ્છમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફલુએ થોડા સમયનો વિરામ લીધા બાદ ફરી ફુફાડો માર્યો હોય તેમ સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં જેતપુર પંથકની મહિલાએ દમ તોડતા રાજકોટની હોસ્પિટલમાં સ્વાઈન ફલુના ૯૯ દર્દીઓના મોત નિપજયા છે.
સિવિલ હોસ્પિટલના સ્વાઈનફલુ વોર્ડમાં કુલ ૧૪ દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં ૧૧ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને હજુ ત્રણ દર્દીઓના રીપોર્ટ બાકી છે. સ્વાઈન ફલુના ત્રણ દર્દીઓને સ્વાઈનફલુના મુખમાંથી બચાવી રજા આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં રાજકોટ સિટીનો એક પણ દર્દી સારવાર હેઠળ ન હોવાથી શહેરીજનોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
જેતપુરના માંડલીકપુર ગામના ૪૨ વર્ષના મહિલાને સ્વાઈન ફલુની સારવાર અર્થે ગત તા.૧૩ના રોજ શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયા તેણીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મહિલાની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે કાલે સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલુ વોર્ડમાં ખસેડાયા હતા. જયાં તેણીએ મોડીરાત્રે હોસ્પિટલના બિછાને દમ તોડતા આરોગ્ય તંત્ર અને તબીબોમાં દોડધામ મચી છે.
રાજકોટ હોસ્પિટલમાં જાન્યુઆરી ૨૦૧૭થી આજદિન સુધી કુલ ૩૩ વ્યકિતઓના સ્વાઈનફલુથી મોત નિપજયા છે. જેમાં રાજકોટ સીટીના ૨૯, રાજકોટ જીલ્લાના ૨૪ અને અન્ય જીલ્લા ૪૬ વ્યકિતઓનો સમાવેશ થાય છે. હાલ સિવિલના સ્વાઈનફલુ વોર્ડમાં રાજકોટ જીલ્લાના ૫, જુનાગઢના ૩, ગીર સોમનાથના ૧, મોરબીના ૨, જામનગરના ૧ અને સુરેન્દ્રનગરના ૨ દર્દીઓ મળી કુલ કુલ ૧૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં ૧૧ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ૩ દર્દીઓના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. ૧૪ દર્દીઓ પૈકી ૫ દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે.