ગીર-સોમનાથ તા. -૨૨, ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત પરીવારોને દર વર્ષે પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ રૂા. ૬૦૦૦ ત્રણ સમાન હપ્તામાં સહાય આપવામાં આવશે. આ સહાય ખેડૂત પરિવારનાં બેન્ક ખાતામાં સીધી જમા થશે. ગીર-સોમનાથ જિલ્લામાં આ યોજના અંતર્ગત ૧ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને લાભ મળશે.
પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજનાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉત્તરપ્રદેશથી પ્રારંભ કરાવશે. સાથે-સાથે ગીર-સોમનાથ જિલ્લામાં પણ આ યોજનાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રામમંદીર હોલ, સોમનાથ ખાતે તા. ૨૪-૦૨-૧૯ નાં રોજ સવારે ૧૦ થી યોજાશે. જેમાં રાજ્ય બિજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, પ્રવાસન નિગમનાં ડિરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર સહિત સંસદ સભ્યશ્રી-ધારાસભ્યશ્રી અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ખેડૂતોને પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજનાની જાણકારી સાથે વડાપ્રધાનશ્રીનાં મની કી બાત કાર્યક્રમ અને વડાપ્રધાનશ્રીનાં ગોરખપુર ઉત્તરપ્રદેશ ખાતેનાં કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.