રાજકોટ: કોરોના મહામારીને તક સમજીને તિજોરી ભરતા રાક્ષસો હકીકતમાં કોરોના વાયરસથી પણ ભયંકર છે. હાલની સ્થિતિમાં મડદા ઉપર ગીધડા ત્રાટકયા હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ કોરોના દર્દીઓનું સર્વત્ર લૂંટી રહ્યો છે તો બીજી તરફ ગીધડાઓને બખ્ખા કરાવી રહ્યો છે. આ મહામારીમાં સેવાભાવથી કામધંધો કરવાના બદલે અનેક ગીધડાઓ કાળા બજારી તેમજ ગરજના ભાવ લઈને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે ત્યારે આવા ગીધડાઓ સામે સરકારે નિયંત્રણ લાવવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો બેફામ રીતે વધી રહ્યાં છે. કોરોનાના આંકડાઓ દરરોજ એક નવો વિક્રમ સર્જી રહ્યાં છે. ત્યારે આ કોરોનાને વકરતો રોકવાનું સરકારના હાથમાં નથી પરંતુ દર્દીઓને જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવી સંપૂર્ણ રીતે સરકારના હાથમાં છે. આરોગ્ય સેવાઓ માત્ર પૂરી પાડવી જ નહીં, સરળતાથી પૂરી પાડવી તે સરકારની જવાબદારી છે પરંતુ સરકાર દ્વારા લગાવવામાં આવેલા નિયંત્રણોમાં ક્યાંકને ક્યાંક કચાસ રહી ગઈ હોય, ગીધડાઓ બેફામ બન્યા છે. કોરોનાને તક સમજીને આ ગીધડાઓ કોઈ સેહશરમ વગર માનવતા ચૂકી વેપલો કરી રહ્યાં છે. કોવિડ કેર સેન્ટર ખોલીને, ઓક્સિજનના ભાવ વધારી, કોરોનાની દવાના ગરજના ભાવ લઈ તેમજ અછતને ધ્યાને લઈ કીટને વધારે ભાવ લઈને આ ગીધડાઓ દર્દીઓને બેફામ રીતે લૂંટી રહ્યાં છે. કોરોનાગ્રસ્ત થયેલા દર્દીઓ પણ લાચાર બની પોતાનું સર્વત્ર લૂંટાવી રહ્યાં છે. આ તમાસો અગાઉના કોરોનાકાળમાં પણ જોવા મળ્યો હતો અને હાલ પણ જોવા મળી રહ્યો છે. સરકારે આ મામલે જરૂરી નિયંત્રણો લાદવા જોઈએ. કોરોનાના દર્દીઓ કોરોનાથી વધુ તો આ ગીધડાઓની હરકતથી પરેશાન થઈ રહ્યાં છે ત્યારે સરકારે હવે ભોગ બનનારા લોકોની વહારે આવવાની જરૂર છે. આવા ગીધડાઓ ઉપર જરૂરી નિયંત્રણો તાત્કાલીક લેવામાં આવે તે ઈચ્છનીય છે.
અનેક જગ્યાએ રેમડેસીવીરના ત્રણ ગણા પૈસા લેવાતા હોવાની ફરિયાદ
કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યાં છે ત્યારે કોરોના સામે રાહત આપતા રેમડેસીવીર ઈંજેકશનની માંગમાં પુષ્કળ વધારો નોંધાયો છે. જેથી કરી આ ઈંજેકશનની કૃત્રિમ અછત શરૂ થઈ ગઈ છે. મેડિકલ સ્ટોર દ્વારા આ ઈંજેકશનની અછતનો ફાયદો ઉઠાવી રૂા.1500 થી 1700માં મળતા ઈંજેકશનોના રૂા.5500 લેવામાં આવી રહ્યાંનું જાણવા મળ્યું છે. સરકાર દ્વારા રેમડેસીવીર ઈંજેકશનની કાળાબજારી ઉપર નિયંત્રણો તો મુકી દેવામાં આવ્યા છે પણ તેની અમલવારી થઈ રહી છે કે, કેમ ? તે જોવાની તસ્દી લેવાઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે, રેમડેસીવીર ઈંજેકશનનો જથ્થો પુરતો મળતો ન હોય તેની અછતના લીધે વધારે ભાવ ખંખેરાય તે સ્પષ્ટ છે. માટે સરકારે વધુમાં વધુ રેમડેસીવીર ઈંજેકશન ઉપલબ્ધ કરવા જોઈએ અથવા તો આ અછત વચ્ચે યોગ્ય ભાવે જ ઈંજેકશન વેંચાય તેની તકેદારી રાખવી જોઈએ.
કોરોના કાચિંડાની જેમ રંગ બદલી રહ્યો છે!!!
જે રીતે કોરોનાના કેસો ભારતમાં પુરપાટ ઝડપે વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ભારતમાં દરરોજ એક લાખથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેના કારણે નિષ્ણાતોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. વૈજ્ઞાનિકોના મત મુજબ કોરોનાની બીજી લહેર પ્રથમ શહેર કરતાં બિલકુલ અલગ છે જેના કારણે કોરોના પર નિયંત્રણ મેળવવું ખૂબ મુશ્કેલ થતું જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોના મત મુજબ બીજી લહેર પ્રથમ લહેરથી અનેકગણી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ પણ તેના રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે, એપ્રિલ મહિનાના આગામી ચાર સપ્તાહ દરમિયાન કોરોના બેકાબુ થઇ શકે છે. દેશભરના નિષ્ણાંત તબીબોમા પણ કોરોનાની બીજી લહેરને કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તબીબોના મત મુજબ કોરોનાની બીજી લહેરના લક્ષણો પણ પ્રથમ લહેર કરતાં અલગ જણાઇ રહ્યા છે. રાજ્યના તબીબોએ નોંધ્યું છે કે, કોરોનાની બીજી લહેરના લક્ષણો પણ પ્રથમ લહેર કરતાં અલગ છે. બીજી લહેરનો શિકાર બનતા દર્દીઓ અસહ્ય દુખાવાથી પણ પીડાતા હોવાનું સામે આવ્યું છે.
ઉપરાંત, ઉલટી તેમજ ટાઢની અસર પણ દર્દીઓમાં જોવા મળી રહી છે. જે પ્રથમ લહેરથી બિલકુલ વિપરીત હોવાનું મનાઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે દર્દીઓ ડાયરિયાનો પણ શિકાર બની રહ્યા છે તે બાબત પણ હાલમાં જ પ્રકાશમાં આવી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે કોરોના કાકડાની જેમ રંગ બદલી રહ્યો છે. કોરોનાના કારણે અમુક દર્દીઓમાં લોહી ગંઠાઇ જવાની સમસ્યા પણ સામે આવતાં તબીબો ચિંતામાં મુકાયા છે. કોરોનાના અગાઉના લક્ષણોને ધ્યાને રાખીને તબીબો દર્દીઓને સારવાર આપતાં હોય છે પરંતુ કોરોનાની બીજી લહેરની અસરો બિલકુલ અલગ હોવાથી કોરોનાને નિયંત્રણમાં લેવો માટે પડકાર ઉભો થયો છે.