મોરબી, ઘ્રાંગધ્રાં અને હળવદમાં ફરી તંગદીલી સર્જાતા પોલીસ બંદોબસ્ત: ૩૫ ભરવાડ સામે નોંધાતો ગુનો અમદાવાદમાં ભરવાડ પ્રૌઢની લાશ સ્વીકારવાનો ઇન્કાર: ગૃહ મંત્રીના રાજીનામુ અને મૃતકને સહાયની માંગણી
ધ્રાંગધ્રાં પાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રકુમારસિંહ ઝાલાની થયેલી હત્યા બાદ તેમની શ્રધ્ધાજંલી સભામાં જઇ રહેલા ગરાસીયા જૂથ દ્વારા હળવદ ખાતે ભરવાડ જૂથ પર કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વધુ એક ભરવાડ પ્રૌઢનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુ આંક ત્રણ પર પહોચ્યો હતો. ભરવાડ પ્રૌઢના મોત બાદ મોરબી, હળવદ અને ધ્રાંગધ્રાંમાં ફરી તંગદીલી સર્જાતા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ ભરવાડ સમાજ દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ૧૨ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે. તેમજ ગરાસીયા જૂથ પર હુમલો કરવા અંગે ૩૫ ભરવાડ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘ્રાંગધાંના પોપટ ભરવાડની ચાર વર્ષ પહેલાં થયેલી હત્યાના કારણે ભરવાડ અને ગરાસીયા જૂથ વચ્ચે ચાલતી અદાવતના કારણે દસેક દિવસ પહેલાં હરીપર રેલવે ફાટક પાસે ઇન્દ્રકુમારસિંહ ઝાલાની ૧૫ જેટલા ભરવાડ શખ્સોએ હત્યા કરતા તંગદીલી સર્જાય હતી.
ગત ગુ‚વારે ઘ્રાંગધ્રાં ખાતે શ્રધ્ધાજંલી સભા રાખવામાં આવી હતી તે દરમિયાન હળવદ પાસેના ઠાકરધણીની જગ્યાએ ગોપાલધામના પટાગણમાં ભરવાડ સમાજ પર થયેલા હુમલામાં ગોલાસણના રાણાભાઇ ભરવાડની હત્યા થઇ હતી ત્યાર બાદ સોલડી પાસે રાણાભાઇ મેવાડા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા હુમલા દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા ચિત્રોડીના ખેતાભાઇ નાગજીભાઇ ભરવાડનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજતા ફરી તંગદીલી સર્જાતા મોરબી, હળવદ અને ઘ્રાંગધ્રાંની ઇન્ટરનેટ સેવા બંદ કરી દેવામાં આવી હતી. અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હળવદમાં ગોલાસણના રાણાભાઇ ભરવાડની હત્યાના ગુનામાં જામનગરના ગોપાલસિંહ જોધસિંહ શેખાવત, મહન્દ્રસિંહ લખધિરસિંહ સોઢા, વાડીનારના વિજયસિંહ બટુકસિંહ જાડેજા, જામનગરના યોગેન્દ્રસિંહ ભરતસિંહ પરમાર, મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા, મુંગણીના કૃષ્ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા, જામનગરના હરિશચંદ્રસિંહ કનકસિંહ ઝાલા, ઝાખરના મહેન્દ્રસિહ રણજીતસિંહ જેઠવા, જામનગરના મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા, વસઇના દેવેન્દ્રસિંહ મુળુભા જેઠવા, અનિ‚સિંહ પ્રવિણસિંહ વાઢેર અને ભરતસિંહ ભીખુભા જાડેજાની જામનગર જિલ્લા પોલીસ વડાએ વીડિયો વાયરલ મેસેજના આધારે ધરપકડ કરી તમામને સાત દિવસના રિમાન્ડ પર લીધા છે.
જયારે સોલડી ગામે રાણાભાઇ મેવાડીની હત્યા અંગે લાલભા મેરુભા ઝાલા, સેન્ટુભા મેરુભા ઝાલા, મોરબીના દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કીરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા અને મુળીના હરપાલસિંહ ભરતસિંહ પરમાર તેમજ ઘ્રાંગઘ્રાંના જીવા ગામના પ્રદિપસિંહ ચંદુભા ઝાલા સામે ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથધરી છે.
વસઇના ઘનશ્યામસિંહ જાડેજા પર હુમલો કરવા અંગે ૩૫ ભરવાડ શખ્સોના ટોળા સામે હળવદ પોલીસમાં ગુનો નોંધાયો છે. હળવદમાં થયેલા હુમલા દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા ચીત્રોડી ગામના ખેતા નાગજી ભરવાડનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા ભરવાડ સમાજના ટોળે ટોળા એકઠાં થઇ હતા અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી, ગૃહ મંત્રીનું રાજીનામાની માગણી કરવામાં આવી છે તેમજ મૃતકના પરિવારને આર્થિક સહાયની માગણી કરવામાં આવી છે.
ભરવાડ અને ગરાસીયા પરિવાર વચ્ચેના વૈમનશ્યના કારણે હળવદ, ધ્રોંગધ્રાં અને મોરબીમાં ફરી તંગદીલી સર્જાતા ત્રણેય ગામમાં બંધનો માહોલ રહ્યો હતો. ફરી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ડી.જી. ગીથા જોહરી ભરવાડ સમાજને સમજાવવા દોડી ગયા
હળવદ ખાતે ગત ગુરુવારે હુમલામાં ઘવાયેલા ચિત્રોડી ગામના ખેતાભાઈ નાનજીભાઈ ભરવાડ નામના પ્રૌઢનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નિપજયા બાદ ભરવાડ સમાજે લાશ સ્વિકારવાનો ઈનકાર કરતા રાજયના પોલીસ વડા ગીથા જોહરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ભરવાડ સમાજને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.