સરકારી કોલેજોમાં શિક્ષકોનો અભાવ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત સીટો ખાલી હોવામાં મુખ્ય કારણ
ગુજરાતમાં એક સમય એવો હતો કે, વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરવા માટે કોલેજોમાં ધક્કા ખાવા પડતા હતા અને કોલેજમાં એડમિશન મળવું મુશ્કેલ હતું. જેના કારણે ગુજરાતમાં એન્જિનિયરીંગ કોલેજોની ઘણી નવી શાખાઓ ખુલી હતી. પરંતુ હવે એન્જિનિયરીંગ કોલેજોની પરિસ્થિતિ એકદમ વિપરીત થઈ ગઈ છે. પહેલા વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન મેળવવા માટે ધક્કા ખાતા હતા, ત્યારે હવે કોલેજ વિદ્યાર્થીઓને શોધવા જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ત્યારે હાલ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા જે આંકડો બહાર પાડવામાં આવ્યો છે તેમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે 56 ટકા એટલે કે અડધો અડધ સીટો ખાલી છે જે એન્જિનિયરિંગ ક્ષેત્રને અંધકારમય બનાવી દે તેવું પણ હાલ ચિત્ર સામે આવ્યું છે. વર્ષ 2021-22 માં ખાલી સીટોનું પ્રમાણ 21 ટકા વધ્યું હતું સરકારી કોલેજોમાં જે વર્ષ 2022-23 માં 50% સુધી પહોંચી ગયું છે એવી જ રીતે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે સ્વનિર્ભર કોલેજોમાં પણ આ ખાલી પડેલી સીટ 3000 ને પાર પહોંચી છે. જેની પાછળનું બીજું સૌથી મોટું કારણ પણ એ છે કે સરકારી કોલેજોમાં શિક્ષકોનો અભાવ અને જે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ ક્ષેત્રે હોવું જોઈએ તે ન હોવાના કારણે સીટો ખાલી ખમ રહે છે.
એવી જ રીતે ગ્રાન્ટ-ઇન-એડ કોલેજમાં પણ 47 ટકાથી વધુ એન્જિનિયરિંગની સીટો ખાલી ખમ પડેલી છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે રોજગારી અને પ્લેસમેન્ટ મળવી જોઈએ તે મળતી ન હોવાના કારણે એન્જિનિયરિંગની વધુને વધુ સીટો ખાલી રહેતી જોવા મળે છે સામે એન્જિનિયરિંગ કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને યોગ્ય પ્રશિક્ષણ મેળવેલા શિક્ષકો ન હોવાના કારણે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે આવતા નથી ત્યારે જો વિદ્યાર્થીઓને વધુને વધુ પ્રેક્ટીકલ નોલેજ આપવામાં આવે અને કોઈ ઇન્ડસ્ટ્રી સાથે જે છે કોલેજ સંલગ્ન થાય તો જે ખાલી સીટો રહેતી હોય છે તે નહીં રહે.