એલાઉન્સ, જીએસઓ-૪ મુજબ સ્ટાફ, હકક રજાના પૈસા રોકડમાં ચુકવી આપવા સહિતની માંગણીઓ
જીબીઆ અને વિદ્યુત કામદાર સંઘના નેજા હેઠળ શરૂ થયેલા આંદોલનમાં સાતેય કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા
રાજયની સાતેય વીજ કંપનીઓના પપ હજારથી વધુ કર્મચારીઓએ જીબીઆ અને વિદ્યુત કામદાર સંઘના એલાન મુજબ વિવિધ પડતર માંગણીઓને લઇને આંદોલન શરુ કરી દીધું છે. જેમાં તમામ મથકો ઉપર ગઇકાલે સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત ઉર્જા વિકાસ લી અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામુહિક લાભો જેવા કે સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવા પાત્ર એચ.આર.એ. અને એલાઉન્ટ એપ્રિલ-૨૦૧૬ થી ચુકવી આપવા. જીએસઓ-૦૪ મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી, હકક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્ટ આપવું તે સહીત અનેક માંગણીઓ કરેલ પરંતુ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી કોઇ સકારાત્મક નિરાકરણ નહિ આવતા આખરે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયરીંગ એસોસિએશન દ્વારા સંયુકત લડત કરવાની નોટીસ આપવામાં આવેલ પરંતુ નિયત કરેલ સમયમર્યાદા માં મેનેજમેન્ટ તરફથી કોઇ મીટીંગ કે ચર્ચા નહી થતા આખરે નિર્ધારિત આંદોલનના કાર્યક્રમ મુજબ સાતેય કંપનીઓની નિગમિત કચેરીઓ, સર્કલ ઓફીસ, ડીવીઝન ઓફીસ, તમામ પાવર સ્ટેશન અને જેટકો ની કચેરી અને હેડ ઓફીસ સામે સુત્રોચ્ચાર કરવામાં આવેલ અને ખુબ મોટીસંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરેલ હતો. તે જ રીતે રાજકોટમાં પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીના પટાંગણમાં પણ વીજ કર્મીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
વીજ કર્મચારીઓ દ્વારા ખુબ વિપરીત સંજોગો પુર, વાવાઝોડા અને ધરતીકંપમાં પણ ગુજરાતની પ્રજાને એક સૈનિકની માફક હંમેશા અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા કામગીરી કરેલ છે અને જીવના જોખમે ગુજરાતની પ્રજાની સેવા કરેલ છે. અને આવી યશસ્વી કામગીરી થકી સમગ્ર ભારતમાં ગુજરાતની વીજ કંપનીઓ પ્રથમ સ્થાન ધરાવે છે. પરંતુ આજે વીજ કર્મચારીઓની ન્યાયિક માગણીઓ અને હકકો માટે મેનેજમેન્ટ સામે લડત કરવી અનિવાર્ય હોય આવા સંજોગોમાં ગુજરાતની પ્રજાની લાગણી અને સમર્થનની અપેક્ષા વીજ કર્મચારીઓ રાખી રહ્યા છે.
ગુજરાતમાં આ કાર્યક્રમના અનુસંધાને કુલ ૧૦૦ થી વધુ સ્થાનો ઉપર સફળ કાર્યક્રમ થયેલ જેમાં દિવાળીની રજાઓ પછી ના પ્રથમ દિવસ હોવા છતાં કુલ ર૩૦૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપેલ હતી.
બે વર્ષથી રજૂઆતો થતી હતી, કોઈ પરિણામ ન મળતા અંતે ન્યાય માટે લડત શરૂ: એમ.એલ. દેશાણી
અબતક સાથેની વાતચીતમાં અખીલ ગુજરાત વિધુત કામદાર સંઘના એડીશનલ સેક્રેટરી જનરલ મહેશભાઈ દેશાણીએ જણાવ્યું કેજીઈબી એન્જીનીયરીંગ એસો. અને અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે મેનેજમેન્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી સાતમાં પગાર પંચને લાગુ પડતા એલાઉન્સીસ અને બીજા લાભો જેની અમોએ બે વષૅ પહેલા માંગણી કરેલ છે તે હજુ સુધી પુરી થઈ નથી તેના અનુસંધાને અવાર નવાર મેનેજમેન્ટમાં સરકારના તમામ સ્તરે રજૂઆત કરેલ છે.
પૂરતો સમય આપેલ છે. પરંતુ અમારી માંગણીઓ અંગે મેનેજમેન્ટમાંથી કોઈ સકારાત્મક પરિણામ ન મળતા આખરે જીઈબી એન્જીનીયરીંગ એસો. અને અખીલ ગુજરાત વિધુત કામદાર સંઘે સંયુકત સંઘર્ષ સમિતિ બનાવી અને લડતનો પ્રારંભ કરેલ છે. જેમાં લાભ પાંચમનાં દિવસે સુત્રોચ્ચારના કાર્યક્રમથી આંદોલનની શરૂઆત થઈ છે. આગામી ૮ તારીખે જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્નર લેબર કમિશ્નર તમામને આવેદનપત્ર આપીશું ત્યારબાદ તા.૧૪ના રોજ અમારી માસ સીએલ છે તેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમની સાત કંપનીઓમાં તમામ કર્મચારી અધિકારી ઈજનેરો માસ સીએલ મૂકશે અને ૫૫ હજારથી વધુ કર્મચારીઓ આ લડતમાં સાત આપી રહ્યા છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ સુત્રોચ્ચાર કાર્યક્રમમાં જોડાયા છે. અમારા સાચા અને ન્યાયીક પ્રશ્ર્નોનું નિરાકરણ નહી થવાના કારણે આ લડતમાં કર્મચારીઓ, અધિકારીઓ એક થઈ પોતાના ન્યાય માટે લડત આપી રહ્યા છે.