આપણે હંમેશા આપણી આંખોની સારી કાળજી લેવી જોઇએ, કારણ કે આંખો કિંમતી છે, તે આપણને સુંદર દુનિયા જોવા દે છે. આજે વિશ્વ દ્રષ્ટિ દિવસ છે. દુનિયામાં એક અબજથી વધુ લોકો સંંપૂર્ણ અંધ કે જોવામાં પડતી સમસ્યાને કારણે પીડાય રહ્યા છે. આ સમસ્યાઓ શિક્ષણ અને જાગૃતિ દ્વારા અટકાવી શકાય છે. આ વર્ષની થીમમાં પણ ‘કામ પર તમારી આંખો ને પ્રેમ કરો’ની વાત કરવામાં આવી છે.
આ વર્ષની થીમ: કામ પર તમારી આંખોને પ્રેમ કરો: ચાલો આજે પ્રતિજ્ઞા કરીએ કે દ્રષ્ટિહીન વ્યકિતઓ સાથે ભેદભાવ નહીં કરીએ
માનવીના રોજિંદા જીવન માટે દ્રષ્ટિ અને સૃષ્ટિ મહત્વપૂર્ણ બાબત છે. જયારે કોઇ વ્યકિત સામે વાળા વ્યકિતની આંખો દ્વારા સંપર્ક કરે છે, ત્યારે આત્મીયતા બંધાય છે. વિશ્વકમાં 1984 થી આ દિવસ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને અંધત્વ નિવારણ માટે આંતરરાષ્ટ્રીય એજન્સી સાથે મળીને વૈશ્ર્વિક ઝુંબેશ ચલાવી રહ્યા છે. આજે દુનિયાભરમાં દરેક વ્યકિતને તેમની જરુરીયાત મુજબ આંખની સંભાળ મળી રહી છે.
વિશ્વ દ્રષ્ટિ દિવસ આંખની સંભાળ અને નુકશાન સાથે તે પરત્વેની સમસ્યામાં સૌ જાગૃત કરે છે. વિશ્વભરની કુલ તીવ્ર ક્ષતિથી પીડાતાની સંખ્યાના ર0 ટકા, આપણા દેશમાં છે. બધાને રંગીન બનાવતી આંખો વિશે સૌએ જાણવાની જરુર છે.
મનુષ્યની આંખમાં 12 લાખ ફાઇબર (તંતુ) હોય
આપણાં શરીરનો અણમોલ ભાગ આંખ છે. આપણી આંખમાં એક કરોડ જેટલા રંગો ઓળખવાની ક્ષમતા હોય છે. તે 576 મેગા પિકસલ કેમેરા જેવું કાર્ય કરે છે. આપણી આંખમાં 1ર લાખ ફાઇબર (તંતુ) હોય છે. આંખનું વજન લગભગ 8 ગ્રામ હોય છે. જયારે કોઇ અચરજ અનુભવાય તો આપણી આંખ 4પ ટકા મોટી થઇ જાય છે. માનવી સિવાય એક માત્ર શ્ર્વાન એવો જીવ છે, જે કોઇની આંખો જોઇને વ્યકિતના હાવભાવ જાણી લે છે. માનવી પોતાની લાઇફમાં એક વર્ષ તો આંખો ફફડાવવામાં જ પસાર કરી દે છે. એક નવાઇની વાત એ છે કે તમે તમારી આંખ બંધ કર્યા વગર છીંક ખાઇ શકતા નથી.