ઓનલાઇન શિક્ષણમાં કલાસરૂમ શિક્ષણ જેવુ પ્રત્યાયત નથી થઇ શકતુ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને પ્રોફેસરે કરેલો રસપ્રદ સર્વે

આજે જે પરિસ્થિતી સમગ્ર વિશ્વની છે એવી પરિસ્થિતીનો કદાચ કોઇએ ભૂતકાળમાં સામનો નહીં કર્યો હોય અને ઇશ્ર્વરને પ્રાર્થના કે ભવિષ્યમાં પણ ન કરવો પડે. વૈશ્વિક ફલક પર કોરોનાએ દરેક બાબતોને, દરેક લોકોને અસર પહોંચાડી છે. તેમાં શિક્ષણ પણ બાકાત નથી. કોરોનાના કારણે લોકોના જીવનના તમામ સમીકરણો બદલાયા છે. લોકોની જીવન જીવવાની શૈલીમાં બદલાવ આવ્યો છે. ત્યારે બાળકો માટે ખાસ કરીને જે શાળાના વિદ્યાર્થીઓ છે તેમના માટે થોડી કપરી પરિસ્થિત સર્જાઇ છે. આ સમયે દરેક વાલીઓને એક પ્રશ્ન મુંજવે છે તેમના બાળકોના શિક્ષણનો. આજે દેશ દુનિયામાં ઓનલાઇન શિક્ષણનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. પણ આપણેએ બાબત માટે કેટલા તૈયાર છીએ? એ પહેલા જોવું જોઇએ. ઓનલાઇન શિક્ષણના કારણે કારણે પરિસ્થિતી એવી સર્જાઇ છે કે જે માતા પિતા પોતાના બાળકોને ખાસ કરીને ધો.૧થી ૧૨ના વિદ્યાર્થીઓને મોબાઇલ આપતા પણ ડરતા હતા તેઓએ હવે મજબૂરીમાં મોબાઇલ આપવા પડે છે અને એક ચિંતાનું મોજુ વાલીની અંદર ઉછાળા લઇ રહ્યું છે. તો આ ઓનલાઇન શિક્ષણ વિશે લોકોના શું મંતવ્ય ધરાવે છે એ જોવા માટે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપાક ડો. ધારા.આર. દોશીએ એક સર્વે હાથ ધર્યો જેમાં ગૂગલફોર્મ દ્વારા ૧૧૬૮ લોકોના પ્રતિભાવો મેળવ્યા અને તેમાં વાલીઓ, વિદ્યાથીઓ, વ્યવસાય કરતાં લોકોએ ભાગ લીધો  હતો. આ સર્વેમાં ૪૮.૮% પુરુષો અને ૫૧.૨% સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૬૨.૯% લોકો શહેરી વિસ્તારના જયારે ૩૭.૧% લોકો ગ્રામ્ય વિસ્તારના હતા. ૫૩.૩% વિદ્યાર્થીઓ, ૩૫.૨% નોકરી કરતાં લોકો, ૬.૯% વ્યવસાય કરતાં લોકો અને ૪.૬% ગૃહિણીનો સમાવેશ થયો. કયા પ્રકારનું શિક્ષણ વધુ ઉપયોગી છે? આ પ્રશ્ર્નના જવાબમાં ૯૨.૩૦ લોકોઉ જણાવ્યુ કે કલાસરૂમ શિક્ષણ વધુ ઉપયોગી છે. માત્ર ૭.૭૦% લોકો ઓનલાઇન શિક્ષણને મહત્વનું માને છે. ૮૭.૫% લોકોએ સ્વીકાયું કે મોબાઇલના વપરાશથી બાળકોને નિષેધક અસર થઇ શકે છે. ૯૧.૯% લોકોએ જણાવ્યુ કે ઓનલાઇન શિક્ષણમાં કલાસરૂમ શિક્ષણ જેવું પ્રત્યાયન નથી થઇ શકતું.

ઓનલાઇન શિક્ષણના ફાયદાઓ જણાવતા લોકોએ જણાવ્યુ કે માત્ર બાળક ઘરે રહીને ભણી શકે અને આ સમયે સામાજિક અંતર રાખી શકીએ તે સિવાય કોઇ ફાયદાઓ નથી. જયારે ઓનલાઇન શિક્ષણના ગેરફાયદાઓ જણાવતા કહ્યું કે નેટવર્ક ઇશ્યૂ ખુબ હોય છે. ઓનલાઇન ભણવાનું નામ પડતાં જ સમસ્યાઓ શરૂ થઇ જાય, કયારેક આખા લેકચર દરમિયાન માંડ ૨૦થી ૩૦% જ સમજાય, રસનો અભાવ રહે છે. શંકાનું સમાધાન જ નથી થતું, ભણતી વખતે ઊંઘ આવ્યા કરે છે, મોબાઇલમાં રમવું ગમે છે પણ ભણવું ગમતું નથી. હેડફોનના ઉપયોગથી સતત માથાનો દુખાવો થયા કરે છે, શિક્ષકો જે રૂબરું ભણાવે તે સરખું સમજાય પણ ઓનલાઇન ઘણી તકલીફ પડે છે.

ઓનલાઇન શિક્ષણ મેળવતી વખતે વિઘાર્થીઓના વાલીઓને સમસ્યાઓ જોઇએ તો ઘણા વાલીઓએ જણાવ્યું કે ભણવા બાળક બેસે અને ચિંતા અમને વધી જાય છે. કલાસનો સમય રેગ્યુલર ન હોવાથી ગમાએ ત્યારે કલાસ હોય તો એ પ્રમાણે ઘરકામ કરવું પડે, કયારેક તો ઘરમાં રહીને ઇમરજન્સી જેવું લાગે છે. જયાં સુધી બાળક ભણે ત્યાં સુધી બાળક પાસે બેસી રહેવું પડે જેથી બાળક પણ ગુસ્સે થાય છે આખો દિવસ લેકચર છે એમ કહીને આખો દિવસ મોબાઇલમાં પડયા રહે છે. પરાણે બેસાડુ ભણવા તો થોડી વખત બેસે અને પછી તોફાને ચડી ઊભું થઇ જાય. જયારથી ઓનલાઇન ભણતર શરુ થયું ત્યારથી નેટનો ખર્ચ વધી ગયો છે. કલાસ પૂરા થાય પછી ય મોબાઇલ મુકતા નથી અને ન આપીએ તો દલીલ કરે કે ભણતી વખતે તો આપો છો બાળકના સર્વાગી વિકાસની ચિંતા રહે છે.

ઓનલાઇન શિક્ષણમાં બાળકોને અનુભવતી સમસ્યાઓ જોઇએ તો નેટવર્ક ન આવતા ગુસ્સે થવું સહુથી વધુ વિઘાર્થી અનુભવે છે. ત્યારબાદ આખોની તકલીફ, ભણવામાં રસ ન લાગવો, કંટાળો, પરાણે ભણવા બેસવું, ચીડિયાપણું, કમરનો દુખાવો ઊંઘ સરખી ન થવી અને ભોજનમાં અરૂચિ થાય છે. ડો. આઇ.કે. વીજળીવાળાના મતે પણ ઓનલાઇન શિક્ષણથી માથાનો દુખાવો, ડોકનો દુખાવો, આખોની તકલીફ, હાથમાં જણજણાટી, ઊલટીઓ થવી, ડોક અકકડ થઇ જવી જેવી સમસ્યાઓ થઇ શકે છે.

મનોવિજ્ઞાનના અઘ્યાપકો તરીકેના નિરિક્ષણ પછી અમારું એ સૂચન છે કે ધોરણ ૧ થી ૧રના વિઘાર્થીઓને ઓનલાઇન શિક્ષણ ન આપવું જોઇએ. આ ઉમરના બાળકો હજુ એટલા પરિપકવ નથી હોતા કે તેઓ મોબાઇલને શિક્ષણનું માઘ્યમ માની શકે, ઘણી વખત અલગ અલગ પ્રકારની જાહેરાતો ઇન્ટરનેટ પર આવતી હોય છે અને જો એ જાહેરાતોની બાળ માનસ પર નિષેધક અસર થશે તો આપનું બાળક કોઇ ઊંઘી દિશામાં પણ જઇ શકે. ઓનલાઇન શિક્ષણ કોલેજ અને યુનિવર્સિટીના વિઘાર્થીઓ માટે હોય તો બહુ મુશ્કેલી નહી સર્જી શકે કારણ કે આ ઉમરના બાળકો હવે પરિપકવ છે અને તેઓ દરેક બાબતોના વિધાયક અને નિષેધક પાસાઓથી પરિચિય હોય છે. બાળક અનુકુલનથી શીખતું હોય છે જે શિક્ષણ આપી શકે તે એક મોબાઇલ કયારેય પણ નહિ આપી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.