રૈયાધાર, શિવપરા, વેલનાથપરા, રાધે કૃષ્ણ સોસાયટી, ગંજીવાડા, શિવશકિત સોસાયટી, જીવંતિકાનગર, ચામુંડાનગર અને આંબેડકરનગરમાં ડેન્ગ્યુનો રોગચાળો
શિયાળાના આરંભમાં ગુલાબી ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે છતાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો રોગચાળો કેડો મુકવાનું નામ લેતા નથી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી ડેન્ગયુ તાવના વધુ ૯ કેસો અને મેલેરિયાના વધુ ૨ કેસો મળી આવ્યા છે.
આ અંગે આરોગ્ય અધિકારીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના રૈયાધાર, શિવપરા, વેલનાથપરા, રાધે કૃષ્ણ સોસાયટી, ગંજીવાડા, શિવશકિત સોસાયટી, જીવંતિકાનગર, ચામુંડાનગર, આંબેડકરનગરમાંથી ડેન્ગ્યુના કેસો મળી આવ્યા છે. આ ઉપરાંત મેલેરિયા તાવના પણ વધુ બે કેસો નોંધાયા છે.
શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સામાન્ય શરદી-ઉધરસ અને તાવના ૧૩૫ કેસ, ઝાડા-ઉલ્ટીના ૮૧ કેસ, ટાઈફોઈડ તાવના ૩ કેસ, મરડાના ૭ કેસ, કમરાના ૨ કેસ અને અન્ય તાવના ૨૬ કેસો મળી આવ્યા છે.
મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૨,૨૨૧ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મચ્છરની ઉત્પતિ અંગે ૧૫૩ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતિ સબબ ૯૮ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ.૫ હજારનો વહિવટ ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૬ રેકડી, ૧૩ કેબિન, ૯ ડેરીફાર્મ, ૧૧ હોટલ-રેસ્ટોરન્ટ, ૫ બેકરી સહિત કુલ ૬૩ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. ૨૩૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૯ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.