સંકલિત બાળ વિકાસ કચેરીની અભૂતપૂર્વ કામગીરી
વ્યક્તિના માનસિક કે શારીરિક વિકાસનો પાયો તેની બાલ્યાવસ્થામાં જ રોપાય છે. રાજ્યના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે સંકલિત બાળ વિકાસ કચેરી – રાજકોટ દ્વારા લોકડાઉન – ૧થી અનલોક -૧ સુધીમાં અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. આ વિશે રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને પગલે પૂરક પોષણની કામગીરીમાં વિક્ષેપ ન પડે તે માટે અમે નિરંતર કાર્ય કરી રહ્યા છીએ. એ માટે ઘરે ઘરે જઈને સગર્ભા બહેનો અને ધાત્રી માતાને માતૃશક્તિ, બાળકોને બાળશક્તિ અને કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટનું વિતરણ કરેલ છે, ૩ થી ૬ વર્ષના બાળકો હાલની પરિસ્થિતિમાં આંગણવાડીમાં નથી આવી શકતા ત્યારે તેમને પણ પૂરક પોષણ મળી રહે તે માટે અમારી ટીમે તેમને ઘરે ઘરે જઈને બાલ શક્તિ પેકેટ વિતરણ કરેલ છે. અત્યાર સુધીમાં જીલ્લામાં ૮૮,૭૦૩ બાળકોને પુરક પોષણ વિતરણ અંગેની કામગીરી કરવામાં આવેલ છે.