૧૦ ટ્રેઈનરો ભદ્રાસન, મકરાસન, વજ્રાસન, શવાસન અને ફેસ યોગા કરાવશે: દિવ્યાંગો અને ડાયાબીટીસ, થેલેસેમીયા ધરાવતા બહેનો માટે ખાસ અલાયદી વ્યવસ્થા
૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધતી વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા વિચાર રજૂ કરેલ. જેના અનુસંધાને સંયુકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ. જેના અનુસંધાને ૨૧ જૂનના રોજ દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલીકા પણ જુદા જુદા પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ આ ઉપરાંત શહેરની શૈક્ષણીક, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ વિગેરે દ્વારા પણ જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.
ખાસ કરીને રાજકોટ મહાનગરપાલીકાના લોકમાન્ય તિલક સ્વીમીંગ પૂલ (રેસકોર્ષ), સરદાર વલ્લભભાઈ સ્વીમીંગ પુલ (કોઠારીયા રોડ), મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વીમીંગ પુલ (કાલાવડ રોડ), સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ (પેડક રોડ), ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૮૫૦થી વધુ બહેનોનું રજીસ્ટ્રેશન થયેલ છે. અને હજુ વધુ બહેનો જોડાશે. અલ્પાબેન શેઠ તથા વંદનાબેન ભારદ્વાજે જણાવેલ કે, ગ્રાઉન્ડમાં જે યોગા કરાવવામા આવનાર છે. તે તમામ યોગા બહેનો દ્વારા પાણીની અંદર કરવામા આવનાર છે જેમકે ભદ્રાસન, મકરાસન, વજ્રાસન, શવાસન તેમજ ખાસ વિશેષમાં ફેસ યોગા કરવામાં આવનાર છે. જેમાં બલુન પોઝ, ફીશ પોઝ, લાયન પોઝ વિગેરે એક વિશેષતા હશે.
એકવા યોગાસન માટે અલ્પાબેન શેઠ તેમજ વંદનાબેન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ તૈયારી કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ યોજાનાર યોગામાં દિવ્યાંગો, ડાયાબીટીસ તેમજ થેલેસીમીયા ધરાવતા શહેરીજનો માટે ઉપરાંત એન.સી.સી. અને એન.એસ.એસ. કેડેટ માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉજવણીમાં શહેરની જુદી જુદી સામાજીક, ધાર્મિક તેમજ શૈક્ષણીક સંસ્થાઓનો પણ ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં યોગ એક અભિન્ન અંગ છે. યોગથી શરીરમાં ખૂબજ ઉર્જાનો સંચય થાય છે. તેમજ શરીરની તંદુરસ્તી માટે યોગ ખૂબજ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ૨૧ જૂનના રોજ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવવા માટે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશીષભાઈ વાગડીયાએ શહેરીજનોને અપીલ કરેલ છે.