અભયમ ટીમે 3035 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર મદદ કરેલ
મહિલાઓને ઘરેલુ હિંસા તેમજ મુશ્કેલીના સમયમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે, તે માટે 181 મહિલા હેલ્પલાઈનની સુવિધા ઉપલબ્ધ કરવામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ, 2015ને ’આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના રોજ રાજ્યવ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી હતી. આ વર્ષે સંકટ સમયની સાથી એવી 181 અભયમ મહિલા હેલ્પલાઇનના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતમાં 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
8 વર્ષની સફળ કામગીરી દરમિયાન 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઈનની ટીમે અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. રાજકોટ જિલ્લામાં કુલ 85,611 જેટલી મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવની સહાય પૂરી પાડવામાં આવી હતી. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટનાસ્થળ ઉપર 181 અભયમ રેસ્કયુ વાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ એ જઇને 20,876 જેટલી મહિલાઓની મદદ કરવામાં આવી હતી.
વર્ષ 2022માં રાજકોટ 181 અભયમ હેલ્પલાઇન દ્વારા 3035 પીડિત મહિલાઓને ઘટનાસ્થળ પર જ મદદ પહોંચાડવામાં આવી હતી. જેમાંથી 1927 જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સેલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને અન્ય 1108 જેટલા કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
આમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાકીદે પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર દેશમાં અભયમ એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ છે. તેમજ સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં 181 મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ 59 રેસ્ક્યુવાનનો કાફલો 24X7 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે.