ભાર વગરનું ભણતર
વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે રાજ્યમાં પ્રથમ વખત એનઇપી અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામનો જીનીયસ સ્કૂલ દ્વારા પ્રારંભ: દરેક વિદ્યાર્થીઓને 15 કલાકનું અસાઇમેન્ટ, તેનું ઇવેલ્યુએશન, ગ્રેડેશન અને સર્ટિફિકેટ પણ અપાશે
રાષ્ટ્રીય શિક્ષણનીતિની ચર્ચા દેશભરમાં સતત ચાલી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર, ગુજરાતની ખ્યાતનામ જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા રાજ્યભરમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ધોરણ-6, 7 અને 8 ના તમામ વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનીંગ આપવી ફરજીયાત છે, તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે જીનિયસ ગ્રુપ દ્વારા રાજ્યની અન્ય શાળાઓને પ્રેરણા અને માર્ગદર્શન મળે તેમજ વિદ્યાર્થીઓમાં પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવા હેતુ સાથે આ વોકેશનલ ટ્રેનીંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોગ્રામ અંગે માહિતી આપતા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી. વી. મહેતા જણાવે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વોકેશનલ પ્રોગ્રામનો અમલ ખુબ જ જટીલ અને મુશ્કેલ છે, ત્યારે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા ધોરણ-6 થી 8ના તમામ વિદ્યાર્થીઓને સી.બી.એસ.ઈ દ્વારા સુચવેલ કુલ 33 કોર્સમાંથી પસંદ કરાયેલા 09 કોર્ષ જેવા કે કોડીંગ, ડીઝાઈન એન્ડ ઈનોવેશન, ફાયનાશ્યલ લીટ્રસી, માર્કેટીંગ, યોગ એન્ડ સ્પોર્ટસ, લાઈફ સાયકલ ઓફ મેડિસીન એન્ડ વેક્સિનેશન, ફુડ, વ્હોટ ટુ ડુ વેન ડોકટર ઈઝ નોટ અરાઉન્ડ અને થીંગ્સ યુ મસ્ટ નો અબાઉટ કિપીંગ મેડિસીન જેવા વિષયો તૈયાર કરવામાં આવ્યા છે.
આ નવ કોર્ષના મોડ્યુલ્સ ગાર્ડી વિદ્યાપીઠ કે જ્યાં એન્જીનિયરીંગ, એમ.બી.એ, એમ.સી.એ, આયુર્વેદ, હોમિયોપેથ અને નર્સીંગ જેવા જુદા-જુદા 13 પ્રકારના પ્રોફેશનલ કોર્સીસ કાર્યરત છે, તેના નિષ્ણાંત પ્રોફેસરો અને ડોક્ટર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેનું થીયરી અને પ્રેક્ટીકલ સાથે કમ્પલીટ પ્લાનીંગ કરવામાં આવેલું છે. આ માટે વિદ્યાર્થીઓને સવારે 09:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી અઠવાડીયાના પાંચ દિવસ ટ્રેનીંગ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને આ 09 કોર્ષનું જે-તે વિષયના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. આ તમામ કોર્ષ ગાર્ડી વિદ્યાપીઠના જુદા-જુદા નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સી.બી.એસ.ઈ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવેલું છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને દરરોજ એસાઇનમેન્ટસ અને હોમવર્ક આપવામાં આવે છે. આ હોમવર્કમાં વિદ્યાર્થીઓને સર્વેક્ષણ કાર્ય, મુલાકાતો કે ઇન્ટરવ્યુ લેવા, અન્ય ફિલ્ડ વર્ક સહિતની જુદી-જુદી વિઝીટસ અને સાથે 15 થી 20 કલાકનું પ્રેકટીકલ વર્ક પણ આપવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ જીનિયસ સ્કૂલ તેમજ જય ઈન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 06 થી 08 ના 800 થી વધુ વિદ્યાર્થીઓને ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ચાર કલાકનો ઓરીએન્ટેશનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને આ તમામ 09 કોર્ષની સંપૂર્ણ માહિતી જે-તે કોર્ષના નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી, વાલી અને શિક્ષક સાથે મળીને આ નવમાંથી કોઇ એક કોર્ષ કે જે વિદ્યાર્થીને અનુકુળ હોય, વાલીની જેમાં સંમતિ હોય અને શિક્ષકનું જેમાં માર્ગદર્શન હોય તે મુજબ પસંદ કરવામાં આવી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ ગાર્ડી વિદ્યાપીઠ ખાતે સવારે 09:30 વાગ્યે પહોંચી જાય અને આ પાંચ દિવસ (સી.બી.એસ.ઇ ની માર્ગદર્શીકામાં દર્શાવેલું છે તે મુજબ વિદ્યાર્થીઓને વર્ષમાં અમુક દિવસો બેગ-લેસ અભ્યાસ કરાવવામાં આવે) તે અનુસાર તેમણે સામાન્ય દિવસોની જેમ ભારેખમ પુસ્તકો લીધા વગર અહીં આવવાનુ રહે છે. આ વોકેશનલ કોર્ષમાં ભાગ લેવા તમામ વિદ્યાર્થીઓને અલગ-અલગ એસાઇન્મેન્ટસ આપ્યા બાદ તેનું મુલ્યાંકન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને એ, બી, સી એ પ્રકારે ગ્રેડ આપીને સર્ટીફીકેશન પણ કરવામાં આવે છે.
આ વોકેશનલ કોર્ષીસના અમલીકરણનું ગુજરાતમાં પ્રથમ વખત પાલન થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓને ફકત પુસ્તકીયું જ્ઞાન જ નહીં પરંતુ સાથે પ્રાયોગિક જ્ઞાન મળે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વોકેશનલ કોર્ષીસ શરૂ કરવા અંગે તમામ શાળાઓને માર્ગદર્શીકા આપવામાં આવી છે. ત્યારે જીનિયસ સ્કૂલ દ્વારા સૌ પ્રથમ આ આયોજન કરીને રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અન્ય શાળાઓને આ અભિયાનમાં જોડાવા માટે રાહ ચિંધવામાં આવેલી છે. ખાસ કરીને રાજકોટની સ્કૂલો જે આ પ્રોગ્રામમાં તેમની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 06 થી 08 ના વિદ્યાર્થીઓને જુદા-જુદા વોકેશનલ કોર્ષના અભ્યાસ માટે ગાર્ડી વિદ્યાપીઠ સાથે જોડાણ કરવા માગતી હોય, તેઓ ગાર્ડી વિદ્યાપીઠનો સંપર્ક કરી શકે છે.
આ વોકેશનલ કોર્ષીસના અભિયાનને સફળ બનાવવા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા અને ગાર્ડી વિદ્યાપીઠના મેનેજીંગ ડીરેક્ટર જય મહેતાની પ્રેરણા અને આગેવાની હેઠળ સીઇઓ ડિમ્પલ મહેતા, જીનિયસ સ્કૂલના વાઇસ પ્રિન્સીપાલ કાજલ શુકલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય જોઈતા રે ચૌધરી, ભક્તિ ગણાત્રા, પૂર્વી ગોહિલ, તેમજ લોજીસ્ટીકની વ્યવસ્થા માટે દર્શન પરીખ, સમગ્ર પ્રોગ્રામના સંયોજન માટે એરોન ડોસ, રાખી ચેટરજી, અને પાર્થ પીઠડીયા, ઉપરાંત ગાર્ડી વિદ્યાપીઠના એન્જીનિયરીંગ કોલેજના આચાર્ય ડો.વિમલ પટેલ, આયુર્વેદ કોલેજના આચાર્ય ડો. ગિરીરાજસિંહ ગોહિલ, હોમિયોપેથ કોલેજના આચાર્ય ડો. અરવિંદ ભટ્ટ, નર્સીંગ કોલેજના આચાર્ય ડો. આશિષ ગૌતમ, એમ.સી.એ વિભાગના વડા ડો. મનીષ પટેલ તેમજ એમ.બી.એ વિભાગના વડા નિલેશ અંકલેશ્ર્વરીયા સાથે ગાર્ડી વિદ્યાપીઠના સમગ્ર સ્ટાફ તેમજ જીનિયસ સ્કૂલના શિક્ષકોની ટીમ દ્વારા ભારે હેમત ઉઠાવવામાં આવી રહી છે.
ગોખણીયા જ્ઞાનને બદલે વિધાર્થીઓની ક્ષમતા ખીલવાશે
જૂની શિક્ષણ નીતિમાં જે શિક્ષણ પદ્ધતિની અમલવારી કરવામાં આવતી હતી તેમાં સૌથી મોટી વાત એ છે કે બાળકો અને વિદ્યાર્થીઓ ગોખણીયા જ્ઞાન લેવામાં જ માનતા હતા અને શાળા પણ એ જ દિશામાં આગળ વધી રહી હતી પરંતુ હવે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓએ દરેક વિષયનો અભ્યાસ યથાવત રીતે કરવો પડશે અને તે વિષયમાં તેઓએ માહિર પણ થવું પડશે. નવી શિક્ષણ નીતિની અમલવારી થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં જે ગોખણીયા જ્ઞાન નો પ્રશ્ર્ન ઉદ્ભવિત થતો હતો તે હવે નહીં રહે.
ત્રણ વર્ષમાં જ રાષ્ટ્રીય શિક્ષણ નીતી અમલી બની
રાષ્ટ્રીય શિક્ષણનીતિની અમલવારી કરવા માટે હજુ ઘણા પડકારો જોવા માં આવી રહ્યા છે ત્યારે નવી શિક્ષણ નીતિની જો યોગ્ય રીતે અમલવારી કરવામાં આવશે તો આ નીતિનો વ્યાપ ઝડપભેર વિકસિત થશે. એટલું જ નહીં અત્યારે અમલવારીનો સૌથી મોટો પ્રશ્ર્ન હાલ નવી શિક્ષણ નીતિ ને સતાવી રહ્યો છે. ત્યારે જીનિયસ સ્કૂલ ની સાથો સાથ ગાડી વિદ્યાપીઠ અન્ય સ્વનિર્ભર શાળા અને આ નીતિની અમલવારી કરવા માટે હાકલ કરી રહી છે અને તેમને જરૂરી તમામ મદદો કરવા માટે સજ્જ પણ બની છે. અત્યાર સુધી શિક્ષણ નીતિની અમલવારી ખૂબ લાંબા સમય પછી જ થતી હતી પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અમલવારી માત્ર ત્રણ વર્ષમાં જ શરૂ થઈ ગઈ છે જેનો ફાયદો આવનારા દિવસોમાં ખરા અર્થમાં વિદ્યાર્થીઓને મળશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી બાદ વિદ્યાર્થીઓને ભણતર ભાર વિનાનું લાગશે
ભાર વગરના ભણતર ની વાત સરકાર હર હંમેશ કરી રહી છે ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી થયા બાદ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ ને ભણતર ભાર વગરનું જ લાગશે અને આ માટે સીબીએસસી બોર્ડ દ્વારા નક્કર પગલા પણ લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વધુને વધુ વિદ્યાર્થીઓ મૌલિક બને અને તેઓ દરેક ક્ષેત્રમાં નિપુણતા મેળવે.
16 જુલાઈથી શિક્ષકોની ટ્રેનિંગ શરૂ કરાશે
નવી શિક્ષણ નીતિની અમલવારી થાય તે પૂર્વે જરૂરી છે કે દરેક શિક્ષકો ને ટ્રેનિંગ આપવામાં આવે જેથી તેઓ નવો અભ્યાસક્રમ અને નવી શિક્ષણ અને નીતિ અંગે વિદ્યાર્થીઓને સહજતાથી શીખવી શકે જેને લઇ ચાલુ મહિનાની 16 જુલાઈના રોજ હેમુ ગઢવી હોલ ખાતે ટીચર્સ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ ખરા અર્થમાં શિક્ષકોને મળતો રહેશે.