- આવકવેરા વિભાગની કાર્યવાહી હજુ પણ બે થી ત્રણ દિવસ ચાલે તેવી શક્યતા
- મોટી રોકડમાં રકમમાં લેતી-દેતી થતી હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
- ખાવડા ગ્રૂપના ભાગીદારો ઉપર પણ તવાઈ, વિવિધ નાના-મોટા ધંધા સાથે સંકળાયેલા વ્યાપારીઓ ઉપર પણ બાજ નજર
- ગાંધીધામમાં આંગડિયા પેઢી, અંજારમાં મહાવીર ડેવલોપર્સ, ભુજમાં હોટલ પ્રિન્સ, આઇયા બીલડર્સ, રાપરમાં ધી કચ્છ મર્કેન્ટાઇલ કોપરેટિવ બેન્ક સહિત અનેક સ્થળો પર તવાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં આવકવેરા વિભાગે સર્ચનો ધમધમાટ શરૂ કરાયો છે. રાજકોટ, ગાંધીધામ , ભુજ, અંજાર અને પોરબંદરમાં આવકવેરા વિભાગમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા કચ્છના ખાવડા ગ્રૂપ કે જે ફાઈનાન્સ બ્રોકર અને રીયલ એસ્ટેટ સહિતના અનેક વ્યવસાયોમાં સંકળાયેલા છે તે તમામ ધંધાર્થીઓને ત્યાં પડાયા છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટકી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ખાવડા ગ્રૂપના રિતેશ અને અનંત તન્ના સાથે જોડાયેલા તેમના ભાગીદારોને ત્યાં હાલ તપાસ ચાલુ છે. પ્રથમ દિવસના અંતે આશરે 8 કરોડથી વધુની રોકડ, જવેરાત અને લોકરો જપ્ત કરવામાં આવ્યા છે.
ખાવડા ગ્રુપ ઉપર હાલ જે સર્ચ ચોપરેશન હાથ ધરવામાં આવ્યું હજુ પણ બે થી ત્રણ દિવસ સુધી ચાલે તેવી અટકળો પણ સામે આવી રહી છે અને તે અંગે સૂત્રો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે. મીઠાઈ, રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગમાં આજે સવારમાં જ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આવકવેરા વિભાગના દરોડાથી સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. તેની સાથે જ ફાઈનાન્સ બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. હાલમાં 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા ચાલે છે.
ફાઈનાન્સ, પ્રોપર્ટી, સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ બોલાવાઈ છે. ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ હાથ ધરાઈ છે. દરોડાની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી સંપતિ મળે તેવી સંભાવના છે.મળતી માહિતી અનુસાર 2022-23ના નાણાકીય વર્ષમાં રાજકોટ તથા અમદાવાદની આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા પ્રથમ સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે. આવકવેરા વિભાગને મોટાભાઈએ રોકડની હેરફેર થતી હોવાની બાદમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે.
આવકવેરા વિભાગ દ્વારા હાલ જે સર્ચ હાથ ધરવામાં આવ્યું તેમાં ગાંધીધામમાં આંગડિયા પેઢી, અંજારમાં મહાવીર દેવલોપર્સ, ભુજમાં હોટલ પ્રિન્સ, આઇયા બીલડર્સ, રાપરમાં ધી કચ્છ મર્કેન્ટાઇલ કોપરેટિવ બેન્ક, તથા માંડવીમાં એક બ્યુટી પાર્લર સહિત અનેક સ્થળો પર તવાઈ બોલાવામાં આવી છે.