- બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ પર લેવાશે
Gujarat News
રાજ્યની સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે આજે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવી હતી.. સમગ્ર રાજ્યમાંથી આ પરીક્ષા માટે 73 હજારથી વધુ બાળકો નોંધાયા હતા.રાજ્યના તાલુકા સેન્ટરો પર પરીક્ષા લેવા માટેનું આયોજન કરાયું છે. પ્રખરતા શોધ કસોટી બાદ પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ પર લેવાશે. જેમાં મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ ચૂકવવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે આજરોજ રોજ લેવાનું નક્કી કરાયું હતું. પ્રખરતા શોધ કસોટી માટેના આવેદનપત્રો 22 ડિસેમ્બરથી ભરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે 5 જાન્યુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પરથી ફક્ત ઓનલાઈન માધ્યમ દ્વારા આવેદનપત્રો ભરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર રાજ્યમાંથી આ પરીક્ષા માટે 73495 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા.
આ વર્ષે પ્રખરતા શોધ કસોટી તાલુકા મથકના કેન્દ્રો પર યોજાઈ હતી. પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાં 243 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. ઉપરાંત પરીક્ષા માટે 346 બિલ્ડિંગની પસંદગી કરવામાં આવી છે. આ બિલ્ડિંગના કુલ 2586 બ્લોકમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થતાંની સાથે જ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી હાથ પર લેવાશે.