૧૦૦થી વધુ ખાનગી કંપનીમાં રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપી રોજગારી મેળવી
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રોજગાર-તાલીમ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આજે યોજાયેલ જોબ ફેરમાં ૭૦૦થી વધુ બેરોજગારો ઉમટ્યા હતા જેમાં ૧૦૦થી વધુ ખાનગી કંપનીમાં રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપી રોજગારી મેળવી હતી. જોબફેરનું ઉદ્ઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલંબારીબેન દવે, રાજકોટ મદદનીશ નિયામક રોજગાર કચેરી સી.કે.માકડીયા, અધિક કલેકટર એ.ટી.પટેલ, જામનગર રોજગાર સલાહકાર રેખાબેન કગથરા, આસિસ્ટન્ટ ડાયરેકટર ડી.આર.ઝાલા, જામનગર અને દેવભૂમિ દ્વારકાના મદદનીશ નિયામક આર.કે. ભટ્ટ સહિતનાઓ હજાર રહ્યા હતા.
રાજકોટ રોજગાર કચેરી મદદનીશ નિયામક સી.કે.માકડિયાએ અબતક સાથેની વાતચીત દરમીયાન જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર અને રોજગાર-તાલીમ વિભાગ આયોજીત આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ક્લસ્ટર કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારથી જ બહોળી સંખ્યામાં યુવક -યુવતીઓ ઉમટી પડ્યા હતા અને જેમાં સુઝુકી, ફોર્ડ, હોટેલ કમ્ફર્ટ ઇન, સુડ લાઇફ, ડોમીનોઝ, વાડીલાલ, તીર્થ એગ્રો, પરિન ફર્નિચર અને પંતજલી સહિતની ૧૦૦થી વધુ કંપનીમાં નોકરી વાંચ્છુકોને અલગ અલગ પોસ્ટ પર ઇન્ટરવ્યૂ આપી રોજગારી મેળવી છે. રાજકોટ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના યુવક-યુવતીઓ આ જોબફેરમાં ભાગ લીધો હતો. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી મેળવી ચૂકેલા યુવક-યુવતીઓ જોબફેરની સાથે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત પણ વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ જોબફેરમાં ઉમેદવારોને પાણી અને ફૂડપેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મૂજબ જોબફેરમાં ૩૦૦૦ જેટલા યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જોકે એક બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ચાલતી હોય ઉમેદવારોની સંખ્યા નહિવત જોવા મળી હતી.