કુલ પેન્ડિંગ અરજીમાંથી 18,016 સિવિલ અને 5069 ફોજદારી અપીલો
અબતક, નવી દિલ્લી
આ વર્ષે 6 ડિસેમ્બર સુધીમાં કુલ 64,229 અપીલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તેવું રાજ્યસભામાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતું.
એક લેખિત જવાબમાં કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, કુલ પેન્ડિંગ અરજીમાં 18,016 સિવિલ અને 5069 ફોજદારી અપીલનો સમાવેશ થાય છે.
કાયદા મંત્રીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે વારંવાર અવલોકન કર્યું છે કે, અપીલ અથવા અરજી દાખલ કરતી વખતે મર્યાદા અવધિ જાળવી રાખવાની જરૂરિયાત છે.
રિજિજુએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં પડતર અરજીઓની સંખ્યા ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમમાંથી મેળવેલા ડેટા અનુસાર છે.
સરકારે યુનિયન ઓફ ઈન્ડિયાના દાવાઓ પર દેખરેખ રાખવાના હેતુથી વેબ પ્લેટફોર્મ લીગલ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ એન્ડ બ્રીફિંગ સિસ્ટમ બનાવ્યું છે. યુનિયનની અસરકારક દેખરેખની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ પ્લેટફોર્મ સતત સુધારણા અને અપગ્રેડેશન હેઠળ છે. કેસોમાં વિલંબ ટાળવા માટે આ સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવું રેજીજુએ ઉમેર્યું હતું.