વોર્ડ નં.૧૦માં સૌથી વધુ દાવેદારો: નિરીક્ષકોએ મોડે સુધી સાંભળ્યા
૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ભાજપના ત્રણ નિરીક્ષકો સેન્સ લેવા આવતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો
જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠકો માટેની ચૂંટણી આગામી માસ માં યોજાનાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંભવિત દાવેદારોની સેન્સ લેવામાટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. આ માટે પ્રદેશના ૯ નિરીક્ષકો જામનગર આવ્યા છે. અને અલગ-અલગ ત્રણ સ્થળોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરીજનોની સેવા કરવા માટેના સેવકોનો રાફડો ફાટયો છે .અંદાજે ૫૨૫થી વધુ કાર્યકરોએ દાવેદારી કરી હતી. જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે આગામી ૨૧મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ દ્વારા પ્રદેશ માંથી નવ નિરીક્ષકોને જામનગર મોકલવામાં આવ્યા છે અને તેઓ દ્વારા અલગ-અલગ ત્રણ સ્થળોએ સંભવિત દાવેદારોની સેન્સ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧ થી ૬ માટે શહેર ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં પ્રદેશ નિરીક્ષક ગોવિંદભાઈ પટેલ, ગૌતમભાઈ ઘેડિયા અને આરતીબેન વ્યાસ દ્વારા સંભવિત દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર ૭ થી ૧૧ માટે જિલ્લા ભાજપ કાર્યાલય (અટલ ભવન)માં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં પ્રદેશ નિરીક્ષક રાજેશભાઇ ચુડાસમા, જયેશભાઈ વ્યાસ અને જસુમતીબેન કોરાટ દ્વારા સંભવિત દાવેદારો સાંભળવામાં આવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર ૧૨ થી ૧૬ માટે કુંવરબાઇ જૈન ધર્મશાળા માં સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જ્યાં પ્રદેશ નિરીક્ષકો બાબુભાઇ જેબલીયા, સુરેશભાઈ ધાંધલીયા અને જ્યોતિબેન વાછાણી દ્વારા સેન્સ લેવામાં આવી હતી. અને સંભવિત દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડ અને ૬૪ બેઠક માટે ભાજપ કાર્યાલયમાંથી લગભગ સવા પાંચસો ફોર્મ ઉપાડ્યા હતા. અને આ તમામે ભાજપની ટિકિટ મેળવવા માટે દાવેદારી કરી હતી. આમ નગરજનોની સેવા કરવા માટે દાવેદારોનો રાફડો ફાટયો હતો. જેમાં ખાસ કરીને વોર્ડ નંબર ૮માંથી ૬૦થી વધુ દાવેદારો સેન્સની પ્રક્રિયામાં જોડાયા છે. જ્યારે વોર્ડ નંબર ૧૦માં પણ ૪૫થી વધુ દાવેદારો હાજર રહ્યા હોવાથી નિરીક્ષકોને પણ મોડે સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ રાખવી પડી હતી. એક જ દિવસમાં તમામ વોર્ડની સેન્સની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવશે અને સમગ્ર માહિતી એકત્ર કરીને પ્રદેશ ભાજપના કાર્યાલયમાં નિરીક્ષકો દ્વારા પહોંચતી કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જામનગર શહેર ભાજપમાં સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં દાવેદારો સામે આવ્યા છે. અને પોતાના વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. જેને લઇને સ્થાનિક શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપરાંત પ્રદેશ કક્ષાના નિરીક્ષકો વગેરેને ભારે કસરત કરવી પડી રહી છે.
આચારસંહિતા જાહેર થતા હોર્ડિંગ; બેનરો દૂર કરાયા
મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરાયા પછી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ શનિવાર સાંજથી જ હરકતમાં આવી ગઇ છે અને બે દિવસ દરમિયાન જુદી જુદી બે ટુકડીઓ મારફતે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે ૩૩ મોટા હોર્ડિંગ્સ તેમજ ૨૨ નાના બેનરો સહિતનું સાહિત્ય કબજે કર્યું છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની જુદી જુદી બે ટુકડીઓ બનાવવામાં આવી છે અને આચારસંહિતા લાગુ કરાયા પછી તાત્કાલિક અસરથી બન્ને ટુકડીઓને શનિવાર સાંજથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં દોડતી કરવામાં આવી છે. જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન અવિરત કાર્યરત રહેશે. જેમાં ૧૫ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જામનગરના લાલબંગલા સર્કલ, દિગ્જામ સર્કલ, સમર્પણ હોસ્પિટલ રોડ, સાંઢિયા પુલ, ડી કે વી રોડ, સાધના કોલોની રોડ, સહિતના અલગ અલગ વિસ્તારોમાં આચાર સંહિતાની અમલવારીના ભાગરૂપે ચેકિંગ હાથ ધર્યું હતું. જે પૈકી રાજકીય આગેવાનોના પ્રચાર-પ્રસાર થાય તેવ ૩૩ મોટાં હોર્ડિંગ નજરે પડ્યા હતા. જે ૩૩ હોર્ડિંગ્સ કબજે કરી લીધા છે તે ઉપરાંત ૨૨ નાના બેનરો પણ ધ્યાનમાં આવ્યા હતા. જે પણ ઉતારી લેવામાં આવ્યા છે. અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરી દેવાયા છે. ચૂંટણી આચારસંહિતાની અમલવારી માટે બંને ટીમોને શહેરમાં સતત દોડતી કરવામાં આવી છે.