કોરોનાની તીવ્ર ગતી મંદ પડતા નવા કેસનો દર ઘટ્યો છે. તો સામે રિકવરી રેટ વધ્યો છે. હોસ્પિટલોમાં બેડ ફૂલ, રેવડેસીવીરની રામાયણ અને પ્રાણવાયુની અછત વગેરે જેવા પ્રશ્નો વચ્ચે ઘેરબેઠાં જ સાજા થવાની લોકોની જાગૃકતા અને સતર્કતાએ કોરોનાની ગતી ધીમી પાડી દીધી છે. અત્યારસુધીમાં 5 લાખથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી સાજા નરવા થઈ ઘેરભેગા થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ 5,03,497 લોકો ડિસ્ચાર્જ થયા છે જે 76.52 ટકા છે. આંકડા મુજબ અમદાવાદમાં 1.29 લાખ દર્દીઓ સાજા થયા છે જ્યારે ત્યાર બાદ સુરત રિકવરી રેટમાં બીજા સ્થાને છે જ્યાં 1.08 લાખ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. તો વડોદરામાં 47 હજાર અને રાજકોટમાં 42 હજાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
સરકારી અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે અત્યારસુધીમાં જે રિકવરી રેટ નોંધાઈ રહ્યો છે તે જેમ નવા કેસ વધી રહ્યા હતા એવી જ રીતે હવે તેની સામે રિકવરી રેટ વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ગત ફેબ્રુઆરી માસની મધ્યમાં કોરોના સામે રિકવરી રેટ 85 ટકા હતો જે છેલ્લા દોઢેક માસના સમયથી ઘટી ગયો હતો. પરંતુ હવે આવનારા થોડા જ દિવસોમાં આ રિકવરી રેટ ફરી પાછો વધી જશે. હાલ ચારેક દિબસથી નવા કેસ કરતા પણ સાજા થવાનો દર વધી ગયો છે જે બીજી લહેરમાંથી મુક્તિના અણસાર છે.