બિનજરૂરી ઘર બહાર ન નીકળવા અને પોલીસને સહયોગ આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અપીલ
સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પોલીસની મહત્વની ફરજ રહી છે. લોકડાઉનની પરિસ્થિતિમાં શહેર પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી તથા મહત્વના પોઈન્ટ ઉપર ચેકપોસ્ટ ઉભી કરી લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય તેવા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં ઘણાખરા લોકો શેરી-ગલીમાં એકઠા થઈ બેસતા કે રમતો જેવી કે ક્રિકેટ, વોલીબોલ રમતા મળી આવે છે જે અંગે શહેર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી છેલ્લા પાંચ દિવસ દરમ્યાન જાહેરનામાના ભંગના કુલ ૭૧ ગુન્હાઓ દાખલ કરી જાહેરનામાનો ભંગ કરતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કામગીરી અસરકારક કરવા વધુ ૧૫ ડ્રોન ફાળવવામાં આવ્યા છે.
ઘણા લોકો કાયદાનો ભંગ કરી શેરી-ગલીઓમાં એકઠા થઈ બેસતા તથા રમતો રમતા મળી આવે છે અને જે સરકારના હુકમ મુજબ લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય તેવા હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તમામ એસીપીઓ તથા તમામ પોલીસ સ્ટેશન ખાતે એક-એક ડ્રોન કેમેરા ફાળવવામાં આવેલ છે એ રીતે રાજકોટ શહેરમાં કુલ ૧૫ ડ્રોન કેમેરા ફાળવવામાં આવ્યા છે અને જે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી જાહેરનામાનો ભંગ કરતા ઈસમોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.
જેથી રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે રાજકોટ શહેર પોલીસ જે આપની સુરક્ષા માટે કટીબઘ્ધ છે પોલીસ દ્વારા નિષ્ઠા તથા માનવતા દાખવી તેઓની ફરજ બજાવવામાં આવે છે જેથી લોકડાઉન સમય દરમ્યાન લોકોએ શેરી-ગલીઓમાં એકઠા ન થવું તેમજ ક્રિકેટ, વોલીબોલ જેવી રમતો રમવી નહીં આથી લોકડાઉન દરમ્યાન ઘરે રહો, સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો, કોઈ ઈમરજન્સી કામ સિવાય બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે.