સાતમા પગાર પંચનો રૂ ૪ થી ૧પ હજારનો સરેરાશ લાભ ચાલુ માસનાં પ્રારંભે જ ખાતામાં જમા કરી દેવાયો: ફિકસ પગારવાળાઓને પણ માસાંતે લાભ મળશે: એરીયર્સનો પ્રથમ હપ્તો જૂનમાં ચૂકવાશે

રાજકોટ સહિત રાજયભરનાં દરેક એસ.ટી. ડિવીઝનોના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ચાલુ એપ્રિલ માસમાં જાણે કે, દિવાળી આવી છે. કારણ કે, ચાલુ માસ દરમ્યાન એસ.ટી. ના ૪ર થી ૪૩ હજાર જેટલા રાજયભરનાં એસ.ટી. કર્મચારી અને અધિકારીઓના ખાતામાં સાતમા પગાર પંચનો વધારો થઇ જવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ, એટલે કે ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન એસ.ટી.ના કર્મચારીઓ અને યુનિયનોએ અન્ય સરકારી ખાતાનાં  કર્મચારીઓની જેમ જ તેઓને પણ સાતમા પગાર પંચનો લાભ આપવાની માંગણી સાથે લડત કરી હતી. અને બે દિવસ સુધીના હડતાલ પણ કરી હતી.

દરમ્યાન સરકારે પણ એસ.ટી. નાં કર્મચારીઓની લાગણી અને લાગણીને સહાનુભૂતિ પૂર્વક ઘ્યાને લઇ તુરંત જ સાતમુ પગાર પંચ મંજુર કરી દીધું હતું. અને આ પગાર પંચની અસર હેઠળ ચાલુ માસમાં જ એસ.ટી. ના દરેક અધિકારી અને કર્મચારીઓના ખાતામાં સાતમા પગાર પંચનો વધારો જમા કરાવી દીધો છે.

આ અંગેના એસ.ટી. તંત્રનાં યુનિયનોનાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ચાલુ માસના પ્રારંભે જ એસ.ટી.નાં ૪ર થી ૪૩ હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના ખાતામાં સાતમા પગાર પંચનો રૂ ૪ થી ૧પ હજાર સુધીનો વધારો જમા થઇ ગયો છે.

આ અંગે મળતી વિસ્તૃત વિગતો મુજબ સાતમા પગાર પંચ અંતર્ગત એસ.ટી.નાં અધિકારીઓને સરેરાશ રૂ ૧૦ થી ૧૫ હજાર, ડ્રાઇવર-કંડકટરોને રૂ ૪ થી પ હજાર તેમજ મીકેનીકલ વર્ગમાં રૂ ૪ થી પ હજારનો વધારાનો લાભ થયો છે.

એસ.ટી. તંત્ર દ્વારા તેઓના કર્મચારીઓ અને અધિકારી ઓને આ  લાભ આપવામાં આવતા હવે એસ.ટી. ની તિજોરી ઉપર દર માસે રૂ ૩૪ થી ૩પ કરોડનો વધારોનો બોજો પડશે.

દરમ્યાન એસ.ટી. નિગમનાં વર્તુળોમાંથી મળતી વધુ વિગતો મુજબ એસ.ટી. તંત્રમાં તાજેતરમાં ફિકસ પગારથી જોડાયેલા અને હજુ જેઓની નોકરીને પાંચ વર્ષ થયા નથી તેવા એસ.ટી. ના રાજયનાં ૧૦ થી ૧ર હજાર કર્મચારીઓને હજુ પગાર વધારાનો કે, એરીયર્સ નો લાભ મળેલ નથી. પરંતુ ચાલુ માસના અંતમાં જ ફિકસ પગારવાળાને પણ વધારાનો લાભ મળી જાય તે પ્રકારની કાર્યવાહી ગતિમાં છે.

એવા વિગતો પણ સાંપડે છે કે એસ.ટી. ના કર્મચારીઓને એરીયર્સ ત્રણ હપ્તામાં અપાશે. જેમાં પહેલા હપ્તાનું ચુકવણું જૂન માસમાં કરી દેવાશે બાદ બાકીના હપ્તા દર ત્રણ માસે ચુકવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.