પ્રદેશ નિરીક્ષકો દાવેદારોની યાદી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા ઉપરાંત મંત્રી મંડળના મોટાભાગના સભ્યોની ટિકિટ લગભગ ફાઈનલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક લોકોના નામ મેળવવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગત સપ્તાહે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુકત કરવામાં આવેલા નિરીક્ષકોએ જિલ્લા કક્ષાએ અને મહાનગરોમાં જઈ સંભવિતો અને અપેક્ષીતોને ‚રૂબરૂ‚ સાંભળ્યા હતા. રાજયની વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ૪૦૦૦થી વધુ લોકોએ પોતાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. નિરીક્ષકો દ્વારા આગામી દિવસોમાં આ યાદી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.
સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકોને અમુક બેઠકોને બાદ કરતા મોટાભાગની બેઠકો પર એક ડઝનથી વધુ દાવેદારોના નામ મળ્યા છે. રાજયની ૧૮૨ બેઠકો માટે ૪૦૦૦થી પણ વધુ લોકોએ ભાજપના પ્રતિક એવા કમળ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા નિરીક્ષકો સમક્ષ વ્યકત કરી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પ્રદેશ નિરીક્ષકો દ્વારા આગામી દિવસોમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ યાદી રજૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ તેમાં ચારણો મારી પેનલ તૈયાર કરશે અને ઉમેદવારી ફોર્મ ભરવાના એકાદ-બે દિવસ અગાઉ જ બેઠક વાઈઝ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શકયતા જણાય રહી છે.
ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા સિવાય મંત્રી મંડળના સભ્ય ગણપતભાઈ વસાવા, ચિમનભાઈ સાપરીયા, બાબુભાઈ બોખીરીયા, જશાભાઈ બારડ, નિર્મલાબેન વાઘવાણી, દિલીપ ઠાકોર, પ્રદિપસિંહ જાડેજા, શંકરભાઈ ચૌધરી, પરસોતમ સોલંકી, નારણભાઈ કાછડીયા અને જયેશ રાદડીયા સહિતનાની ટિકિટ લગભગ ફાઈનલ માનવામાં આવી રહી છે. તો મંત્રી મંડલના સભ્ય જયંતીભાઈ કવાડીયાએ આ વખતે નિરીક્ષકો સામે સામેથી ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યકત કરી છે.
અમુક ઉમેદવારો સામે સ્થાનિક લેવલે કાર્યકરોમાં નારાજગી હોવા છતાં તેઓને પક્ષ ટિકિટ આપે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. રાજય સભાની ચૂંટણી વેળાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરનાર ધારાસભ્યોએ શરતી સોદો કરી કેશરીયો ધારણ કર્યો છે. તેઓની ટિકિટ પણ ફાઈનલ હોવાનું મનાઈ રહ્યું છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓને ટિકિટ આપવાની વાત શરૂ થતા વર્ષોથી કાળી મજૂરી કરતા પાયાના કાર્યકરોમાં પણ ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે. એક તરફ એવી વાતો ચાલી રહી છે કે, વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ રૂપ છે છતાં ૧૮૨ બેઠકો માટે ચૂંટણી લડવા ૪૦૦૦થી વધુ દાવેદારોએ દાવેદારી રજૂ કરી છે.
સરેરાશ એક બેઠક માટે ભાજપમાં હાલ ૨૫ થી વધુ લોકોના નામ ચર્ચામાં હોવાનું મનાઈ રહ્યું છે.