નિયમોને નેવે મૂકી બિલ્ડીંગો બનાવનાર ડેવલોપર્સ કે રહેવાસીઓની પરવાહ કરવાની જરૂર નથી: વિમાન અકસ્માત મુદ્દે બોમ્બે હાઇકોર્ટનું સખ્ત વલણ
બહુમાળી ઇમારતોને અસર કરતો એક મહત્વનો ચુકાદો બોમ્બે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. મુંબઇમાં એરપોર્ટની આસપાસ બાંધવામાં આવેલી ૪૦૦ થી વધુ બિલ્ડીંગો વિમાનો માટે જોખમી હોવાનું કારણ આપી બોમ્બે હાઇકોર્ટે આ બિલ્ડીંગોને તોડી પાડવા અથવા ‘કટ-ટુ-સાઇઝ’ કરવા આદેશ આપ્યો છે. આ બિલ્ડીંગો એરપોર્ટ મામલે ઘડવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાની દલીલ કરવામાં આવી છે.
ન્યાયાધીશ વી.એમ.કનડેની ખંડપીઠ દ્વારા જણાવાયું છે કે, વિમાનોના માર્ગમાં બહુમાળી ઇમારતો જોખમ‚પ હોવાથી આ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સખ્ત કાર્યવાહી કરવી આવશ્યક છે. આ બિલ્ડીંગો બનાવનારા ડેવલોપર્સના નુકશાન અંગે પરવાહ કરવાની કોઇ જ‚રિયાત નથી. તંત્ર વિમાન સાથે અકસ્માત થાય તેની રાહ જોઇ બેસી રહે નહીં. માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જ‚રી હોવાનું કોર્ટે કહ્યું છે. હાઇકોર્ટના ચુકાદાના પગલે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને બીએમસી દ્વારા ટુંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
વર્ષ ર૦૧૦થી ર૦૧૧ દરમ્યાન મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લી. દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ૧૧૦ બાંધકામ વિમાન માટે જોખમી હોવાનું ફલિત થયું હતું. આવા બાંધકામો અને તેના રહેવાસીઓને ડીરેકટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. અલબત નોટીસનો યોગ્ય પ્રત્યુત્તર ન મળતા બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં ગઇકાલે આગામી બે મહિનાની અંદર જોખમી બિલ્ડીંગોને કટ-ટુ-સાઇઝ કરવા અથવા સંપૂર્ણ તોડી પાડવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. ડીજીસીએને વર્ષ ર૦૧૫ થી ૨૦૧૬ દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં નડતર‚પ સાબિત થયેલી કુલ ૩૧૭ બિલ્ડીંગો અંગે પણ કામગીરી કરવા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી તા.ર૭ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
હાલ બોમ્બે હાઇકોર્ટે આપેલા ફેસલાથી એરપોર્ટની આસપાસની ૪૦૦થી વધુ બહુમાળી ઇમારતો ઉપર જોખમ તોળાઇ રહ્યું છે. આ ઈમારતો વિમાન અકસ્માતે જવાબદાર બની શકે છે. જેના પરિણામે ઇમારતોની ઉંચાઇ ઘટાડવી અથવા સંપૂર્ણ તોડી પાડવાનો વિકલ્પ કોર્ટે ડીજીસીએને આપ્યો છે. આ કામગીરી માટે બે મહિનાની સમયમર્યાદા આપવામાં આવી છે.