બરસો રે… મેઘા… મેઘા… બરસો  રે

સૌરાષ્ટ્રમાં 47.23 ટકા વરસાદ વરસી જતા વર્ષ સોળ આનીથી સવાયું રહે તેવી સંભાવના

ચાલુ વર્ષે ચોમાસાનું વહેલી આગમન થયા બાદ મેઘરાજાએ મોઢું ફેરવી લેતા જગતાતના જીવ ઉંચક થઇ ગયા હતા. જૂન માસમાં સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ પડ્યો હતો. જો કે, જૂનની ઘટ્ટ મેઘરાજાએ જુલાઇ માસના પ્રથમ પખવાડીયામાં જ વ્યાજ સાથે પૂરી કરી દીધી છે. ગુજરાતમાં જુલાઇ માસના 11 દિવસમાં મોસમનો 40 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. આજ સુધીમાં રાજ્યમાં સિઝનનો 46.70 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. હજુ 17મી સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય, આ વર્ષે ચોમાસુ સોળઆનીથી પણ સવાયુ રહે તેવા સુખદ આસાર વર્તાઇ રહ્યા છે. રાજ્યમાં જુલાઇના આરંભથી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ગુજરાતમાં વર્ષ-1992થી 2021 સુધીમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 850 મીમી વરસાદ પડે છે. જેની સરખામણીએ આજે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 397.02 મીમી વરસાદ પડ્યો છે.

જૂન માસમાં પડેલી ઘટ્ટ મેઘરાજાએ જુલાઇના પ્રથમ પખવાડીયામાં વ્યાજ સાથે પૂરી કરી દીધી: રાજ્યમાં સિઝનનો 46.70% વરસાદ

જે સિઝનનો 46.70 ટકા થવા પામે છે. છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 209 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જૂન માસમાં માત્ર 64.22 મીમી વરસાદ વરસ્યો હતો. જેની સામે જુલાઇ માસના પ્રથમ 11 દિવસમાં 332.80 મીમી વરસાદ વરસી ગયો છે. જો કે, સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે રાજ્યના 25 તાલુકાઓમાં હજુ પાંચ ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે 16 તાલુકાઓમાં 40 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ રિજીયનમાં 97.54 ટકા પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 26.25 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 ટકા, સૌરાષ્ટ્રમાં 47.23 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 57.56 ટકા વરસાદ પડી ગયો છે. ભારે વરસાદના કારણે જળાશયોનો વૈભવ પણ વધ્યો છે.

18 જળાશયો હાઇએલર્ટ પર 8 ડેમ એલર્ટ પર

નર્મદા ડેમમાં 47.71%, અન્ય 206 જળાશયોમાં 33.61% પાણી

IMG 20220713 WA0011 1

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોનો વૈભવ સતત વધી રહ્યો છે. અનેક જળાશયો ઓવર ફ્લો થઇ ગયા છે. મોટાભાગના જિલ્લાઓમાં જળ સંકટ સ્વાહા થઇ ગયું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 47.71 ટકા પાણી સંગ્રહિત છે. ડેમમાં હાલ 1,69,404 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ગત વર્ષ કરતા 7 ટકા વધુ પાણી ભરેલું છે. હજુ ઉપરવાસના વરસાદના કારણે આ પાણીની આવક સતત ચાલુ હોય ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 33.61 ટકા પાણી ભરેલું છે. 2,51,209 એમસીએફટી પાણી ભરેલું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. 18 જળાશયો હાઇએલર્ટ પર અને 8 જળાશયો એલર્ટ પર છે. જ્યારે 11 જળાશયો ગમે તે ઘડીયે પૂર્ણ ક્ષમતાથી ભરાઇ જાય તેવી સ્થિતિમાં હોય તેને વોર્કિંગ પર રાખવામાં આવ્યા છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની 18-18 ટીમો રાજ્યમાં તહેનાત

રાજ્યમાં આગામી 17મી જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર સજ્જ બની ગઇ છે. રાજ્યના અલગ-અલગના વિસ્તારો કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની 18-18 ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. અમરેલીમાં એક, બનાસકાંઠામાં એક, ભાવનગરમાં એક, દેવભૂમિ દ્વારકામાં એક, જામનગરમાં એક, જૂનાગઢમાં એક, કચ્છમાં એક, નવસારીમાં બે, રાજકોટમાં એક, સુરતમાં એક, તાપીમાં એક એમ 18 એનડીઆરએફની ટીમો ખડેપગે છે. જ્યારે છોટા ઉદેપુરમાં એક, નર્મદામાં એક, ભરૂચમાં બે, આણંદમાં એક, ડાંગમાં એક, ગીર સોમનાથમાં બે, જામનગરમાં એક, મોરબીમાં એક, ખેડામાં એક, પાટણમાં એક, સુરેન્દ્રનગરમાં બે, પોરબંદરમાં એક અને તાપીમાં એક સહિત કુલ એસડીઆરએફની 18 પ્લાટુન તહેનાત કરી દેવામાં આવ્યા છે.

44,36,980 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

IMG 20220710 145223

ચાલુ સાલ ચોમાસાનું વહેલી આગમન થયું છે અને જુલાઇ માસમાં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર પણ વધ્યું છે. 11 જુલાઇની સ્થિતિએ જોવામાં આવે તો રાજ્યમાં અંદાજે 44,36,980 હેક્ટર વિસ્તારોમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. દરમિયાન જ્યાં છેલ્લા થોડા દિવસથી વાવણી લાયક વરસાદ વરસ્યો છે ત્યાં ખેડૂતો દ્વારા હવે વાવણી કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે રેકોર્ડબ્રેક ખરીફ પાકનું વાવેતર થવાની પણ સંભાવના રહેલી છે.

કચ્છમાં સૌથી વધુ 97.54% વરસાદ ઉત્તર ગુજરાતમાં હજુ મેઘાની ખેંચ

ગુજરાતમાં આજે સવાર સુધીમાં મોેસમનો 46.70 ટકા વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ રિજીયનમાં 97.54 ટકા વરસી ગયો છે. કચ્છના 10 તાલુકા પૈકી 6 તાલુકાઓમાં 117 થી 156 ટકા સુધી વરસાદ પડી ગયો છે. જો કે, ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં હજુ વરસાદની ભારે ખેંચ વર્તાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતને અલગ-અલગ પાંચ રિજીયનમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં કચ્છમાં 97.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 ટકા, સૌરાષ્ટ્રમાં 47.23 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ પડી ગયો છે. જુલાઇ માસમાં મેઘરાજાએ સવાયુ હેત વરસાવતા સોળઆનીથી પણ શ્રેષ્ઠ વર્ષ રહે તેવા સંકેતો મળી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.