વેરા અને દંડ પેટે રૂ.૫૭.૯૫ લાખની વસુલાત: રાજકોટ જી.એસ.ટી. ડિવિઝન ૧૦ અને ૧૧ની કાર્યવાહી
રાજકોટ જીએસટી વિભાગના ડિવિઝન ૧૦ અને ૧૧ દ્વારા મોબાઈલ ચેક પોસ્ટનું જુદા જુદા હાઈ-વે ઉપર ચેકિંગ યથાવત રાખવામાં આવ્યું છે અને ગત એપ્રીલ માસ દરમિયાન પણ રાજકોટ જીએસટી વિભાગના ઉપરોકત બન્ને ડિવિઝનો દ્વારા જામનગર, કચ્છ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ, મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લાના હાઈ-વે પર સઘન ચેકિંગ કરવામાં આવેલ હતું અને આ ચેકિંગ દરમિયાન બન્ને ડિવિઝનો દ્વારા કુલ ૩૮ ટ્રકોને ઈ-વે બીલ અને ઈ-વે બીલમાં ક્ષતીઓ સબબ ઝડપી લેવામાં આવેલ હતા અને વેરા અને દંડ પેટે રૂ.૫૭.૯૫ લાખની વસુલાત કરવામાં આવેલ હતી.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટીના ડિવિઝન ૧૦ દ્વારા ગત એપ્રીલ માસ દરમિયાન રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી સક્રેપ, ટાઈલ્સ, આયન સ્ટીલ સહિતની જુદી જુદી ૧૦ ટ્રકોને ઈ-વે બીલ વીના અને ઈ-વે બીલમાં ક્ષતી સબબ ઝડપી લીધી હતી. વેરા અને દંડ પેટે રૂ.૨૫.૦૯ લાખની વસુલાત કરવામાં આવેલ હતી.
આ ઉપરાંત જીએસટીના ડિવિઝન ૧૧ દ્વારા ગત એપ્રીલ માસ દરમિયાન જૂનાગઢ, પોરબંદર, જામનગર અને કચ્છ વિસ્તારમાંથી ઈ-વે બીલ વીનાની અને ઈ-વે બીલમાં જુદી જુદી ક્ષતીઓ સબબ પ્લાયવુડ, કેમીકલ, લોખંડના સળીયા, બ્રાસ પાર્ટ, મશીલ ટુલ્સ અને ગાર્મેન્ટની જુદી જુદી કુલ ૨૪ ટ્રકોને ઝડપી લેવામાં આવેલ હતી અને વેરા તથા દંડ પેટે કુલ રૂ.૩૨.૮૬ લાખની વસુલાત કરવામાં આવેલ હતી.
વધુમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ચાલુ માસ દરમિયાન પણ ઉપરોકત બન્ને ડિવિઝનો દ્વારા ચેકિંગ ચાલુ રાખવામાં આવેલ છે અને ડિવિઝન ૧૦ દ્વારા ચાલુ માસ દરમિયાન સ્ક્રેપ, ટાઈલ્સ અને આયનની વધુ ત્રણ ટ્રકોને ઈ-વે બીલ વીના ઝડપી લઈ રૂ.૨.૬૮ લાખના વેરા અને દંડની વસુલાત કરાઈ હતી.
જયારે ડિવિઝન ૧૧ દ્વારા પણ સામખીયાળી હાઈ-વે પરથી ઈ-વે બીલ વીનાની ટીમ્બર અને બેસન ભરેલી બે ટ્રકો ઝડપી લેવાઈ હતી. જેમાંથી ટીમ્બરમાં વેરા અને દંડ પેટે રૂ.૨.૪૪ લાખ અને બેસનમાં રૂ.૬૩૫૦૦ના વેરા અને દંડની વસુલાત કરાઈ હતી.