૧૪ કરોડની ઠગાઈના ગુનામાં રોહિત કપોપરા અને બે પ્રમોટરોની અટક: મલ્ટી લેવલ માર્કેટીંગ દ્વારા રોકાણ
વધુ રોકાણ લાવનાર પ્રમોટર અલ્તાફ વઢવાણિયાને રોહિતે મર્સીડીઝ કાર ગિફ્ટ આપી
ક્રાઈમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, એનસીઆર ક્રિપ્ટો કરન્સીના નામે રૃ. ૧૪ કરોડનું રોકાણ કરાવી લસકાણાના બિલ્ડર ચેતન ગાંગાણીને રૃપિયા પરત નહીં આપનાર એનસીઆર ક્રિપ્ટો કરન્સીના એમ.ડી. રોહિત કપોપરા, અલ્તાફ, અલ્તાફના વકીલ રાહુલ, કામરેજના પી.આઈ. લવ ડાભી, અલ્તાફ માટે કામ કરતા ટેકર નીઝાર અને રોહિતના સાળા ઉમેશ વિરૃધ્ધ સરથાણા પોલીસમથકમાં ગત શનિવારે બિલ્ડર ચેતન ગાંગાણીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી.
ક્રાઈમ બ્રાંચ પી.આઈ. બી.એન. દવેએ આજરોજ એનસી આર ક્રિપ્ટો કરન્સીના એમ.ડી. અને પ્રમોટર સહિત કપોપરા તેમજ અન્ય પ્રમોટરો અલ્તાફ વઢવાણિયા, ઉમેશની અટકાયત કરી સમગ્ર કૌભાંડ અંગે પૂછપરછ શરૃ કરી હતી. ક્રાઈમ બ્રાંચે કબ્જે કરેલા દસ્તાવેજો હાર્ડ ડિસ્કના આધારે તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું હતું કે, રોહિતે મલ્ટી લેવલ માર્કેટીંગનો ઉપયોગ કરી એનસીઆર ક્રિપ્ટો કરન્સીમાં ૩૦૦૦ થી વધુ લોકો પાસે રોકાણ કરાવી રકમ પરત કરી નથી. આથી આ કૌભાંડનો આંક કરોડોમાં પહોંચવાની શક્યતા છે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ, કામરેજના પી.આઈ. ડાભી પણ એનસીઆર ક્રિપ્ટો કરન્સીના પ્રમોટર્સ પૈકીના એક છે. મુંબઈના સુભાષ ઝેવરીયાની ક્રિપ્ટો કરન્સી એટીસીમાં રોકાણ દરમ્યાન તમામનો એકબીજા સાથે પરિચય થયો હતો. અગાઉ બિટકોઇનનું ટ્રેડીંગ કરતા રોહિતે ત્યારબાદ આ મિત્રો સાથે મળી એનસીઆર ક્રિપ્ટો કરન્સી શરૃ કરી હતી. રોહિતે અલ્તાપને રોકાણ વધુ લાવવા બદલ મર્સીડીઝ પણ ભેટમાં આપી છે.
એનસીઆર ક્રિપ્ટો કરન્સીની વેબસાઈટ હજુ પણ કાર્યરત
સરથાણાના બિલ્ડર ચેતન ગાંગાણી સહિત હજારો લોકો પાસે રોહિત કપોપરાએ પોતાની એનસીઆર ક્રિપ્ટો કરન્સીમાં મોટા આર્થિક લાભની વાત કરી રોકાણ કરાવ્યું હતું તે વેબસાઈટ હજુ પણ કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં એનસીઆર કરન્સીનું રજીસ્ટ્રેશન થયું જ ન હોય તેમાં રોકાણ કરનારા ડીજીટલ કરન્સીને રોકડમાં તબદીલ કરી શકતા નથી