ડી.વાય.એસ.પી. ને સોની વેપારી એસોસીએશન દ્વારા આવેદન પત્ર પાઠવ્યું
વેરાવળ સોની વેપારીના એસો.ના અરવિંદ રાણીંગા, ગીરીશભાઇ પટ, ભગતભાઇ અભાણી સહિતના વેપારીઓએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, અત્રેના ખોજાખાના રોડ પર શ્રીનાથજી જવેલર્સના નામથી સોનાનો શોરૂમ ઘરાવતા વેપારી લલીતભાઇ લોઢીયાની દુકાને ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે પ્રભાસપાટણ સ્ટેશનના પીએસઆઇ ચાવડા કોઇ ચોરને લઇ આવી કહેલ કે, ચોરે જે સોનાનો માલ ચોરેલ તે તમારી દુકાને વેચ્યો છે. જે અંગે વેપારીએ કહેલ કે, આવો કોઇ માલ ખરીદેલ ન હોય જેથી વેપારીને સાંજે પોલીસ સ્ટેશને બોલાવેલ હતો. વેપારી સાંજે સ્ટેશને જઇ પીએસઆઇ સાથે વાતચીત કર્યા કરેલ હતી. ત્યારબાદ પીએસઆઇએ કહેલ કે, તા.૨૭ ના રોજ તમારા ખરીદ-વેચાણના રેકર્ડ સાથે આવજો તેવી સ્પષ્ટ વાતચીત થઇ હોવા છતાં આજે તા.૨૬ ના બપોરે બારેક વાગ્યે ફરી પીએસઆઇ ચાવડા દુકાને આવી જબરજસ્તીથી લલીતભાઇને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. જેની જાણ એસો.ના હોદેદારોને થતા સ્ટેશને દોડી જઇ વિનંતીથી કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી રહેલ તેની સામે પીએસઆઇએ ઉઘતાયભર્યુ વર્તન કરતા હોય તેમ વેપારીને અહીથી હવે જવા નહીં દઇએ તેવું જણાવેલ હતુ. ત્યારબાદ એકાએક વેપારીને નોટીસ આપી એક દિવસમાં રેકર્ડ રજુ કરવા જણાવેલ હતુ.
જયારે સોની વેપારી સહકાર આપવા તૈયાર હોવા છતાં પીએસઆઇએ જબરજસ્તી કરી ડરાવી-ઘમકાવીને પરાણે મુદામાલ રજુ કરવા દબાણ કરવાની સાથે ગેરકાયદેસર રીતે પકડીને લઇ જાય તે બાબત ગંભીર છે. પીએસઆઇની આવી હરકત વેપારીઓમાં ડર બેસાડવાની કાર્યવાહી હોવાનો અહેસાસ સોની મહાજનના વેપારીઓને હાલ થઇ રહયો છે. જેથી આ બાબતથી સોની વેપારીઓએ બપોર બાદ રોષપૂર્ણ કામ ઘંઘા બંઘ રાખવાનો નિર્ણય કરી સોની બજાર જડબેસલાક બંઘ રાખેલ છે. પીએસઆઇના ખરાબ વર્તન સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.
આ અંગે પીએસઆઇ ચાવડાએ જણાવેલ કે, વેપારી સાથે ગેરવર્તનની વાત પાયા વિહોણી છે. અમોએ પોલીસની નિયમોનુસાર કાર્યવાહી કરી છે. કોઇ અસભ્ય કે ગેરવર્તન કરેલ નથી.