આજે જીવન રક્ષકનો દિવસ
આપાતકાલીન સ્થિતિમાં જીવનદાતા તરીકે ઉભરી આવતા ડોકટરની ઉમદા કામગીરી
બાળકના જન્મ પૂર્વે તેમજ જન્મ બાદ આજીવન સ્વાસ્થ્યની જવાબદારી જેમના શિરે રહેલી છે તેવા જીવન રક્ષક અને જેને ઈશ્વર સમકક્ષ માનવામાં આવે છે. તેવા સફેદ કોટ અને ગળામાં સ્થેટોસ્કોપધારી ડોક્ટર્સની સેવાને કૃતજ્ઞ ભાવે સમર્પણપૂર્વક યાદ કરવાનો દિવસ એટલે 1લી જુલાઈ – નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે. સામાન્ય કે ગંભીર બીમારી અને અકસ્માત સમયે જીવનદાતા તરીકે હમેશા વહારે આવતા તબીબોનું વિશેષ મહત્વ આપણને કોરોના મહામારી બાદ ખુબ સારી રીતે સમજાઈ ચૂક્યું છે. રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની ખેવના રાખવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી. જરૂરિયાતમંદ તમામ લોકોને નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવા-સારવાર મળી રહે તે માટે જિલ્લા અને શહેર કક્ષાએ સિવિલ હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન પી.એચ.સી. સેન્ટરમાં 46 અને કમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં 20 મળી કુલ 66 એમ.બી.બી.એસ. ડોક્ટર્સ સેવારત છે. જયારે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા હેઠળ કાર્યરત 23 આરોગ્ય કેન્દ્રોમાં 46 ડોક્ટર્સ લોકોના આરોગ્યની ખેવના કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની નામના ધરાવતી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે તબીબો, પ્રાધ્યાપકો મળીને સૌથી વધુ 100 જેટલા તબીબો જયારે પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ગાયનેક અને પીડિયાટ્રિશ્યનના પાંચ ડોક્ટર્સ મળી જુદા જુદા વિભાગના કુલ 25 ડોક્ટર્સ દર્દીના નિદાન અને સારવારની પ્રમુખ કામગીરી નિભાવી રહ્યા છે.
ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં સાકાર થઈ રહી છે. અહી કાર્યરત ઓ.પી.ડી. વિભાગમાં વિવિધ ફેકલ્ટીમાં હાલ 64 કાયમી તબીબો દ્વારા દર્દીઓનું રૂબરૂ તેમજ ટેલીમેડીસીન દ્વારા નિદાન અને સારવાર કરી રહ્યા છે.
દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે, તેમનું સંતાન આગળ જતાં ડોક્ટર બને. વિદ્યાર્થીઓના સ્વપ્નને પરિપૂર્ણ કરવા તેમજ ઉચ્ચતમ આરોગ્ય સેવાર્થે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં મેડીકલ કોલેજ શરુ થય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજકોટ સરકારી હોસ્પિટલમાં કરાતી અતિ જટીલ સર્જરી
સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટની સરકારી હોસ્પિટલ્સમાં શ્રેષ્ઠ સારવારનો વિશ્વાસ ધરાવે છે. અતિ ખર્ચાળ સર્જરી અનુભવી તબીબો દ્વારા પુરી પાડવાના કેટલાક કિસ્સામાં રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં જોવા મળ્યા છે. ઈ.એન.ટી. ડો. સંદીપ વાછાણીએ જણાવ્યું હતું કે, જેતપુરના એક યુવાનને આંખની નીચે અંદરના ભાગે નાકમાં બે ઇંચ લાંબો મસો થયેલો. જેમાં આંખના ડોળા અને દાંતના ઝડબાને નુકસાન કર્યા વગર કે નાકને કાપો માર્યા વગર ત્રણ કલાકની સફળ સર્જરી કરેલી.
આવા જ એક અન્ય કિસ્સામાં એક યુવતીને થાઈરોઈડ ગ્રંથિમાં 3(ત્રણ) ઇંચ જેટલી મોટી ગાંઠ થયેલી. આ ગાંઠ કાઢવા જતા તેઓને અવાજ સહીત ગળામાં કોઈ નુકસાન નહીં થાય તે માટે તેઓનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું, જે બાદ તેઓની સફળ સર્જરી કરેલી. જયારે અન્ય એક કીસ્સમાં મોરબીના 8 વર્ષના બાળકને આંખમાંથી સતત રસી ઝરતા હતાં. જેને નાસૂરની તકલીફ હતી. આ કિસ્સામાં પણ બાળકને અંધાપાથી બચાવી નાસૂરની સફળ સર્જરી કરવામાં આવેલી.