80% ખર્ચ સરકાર ભોગવશે, બાકીનો 20% ખર્ચ 6 જેટલી સામાજિક સંસ્થાઓ ઉઠાવશે
જિલ્લાના 300થી વધુ ચેકડેમોને 80/20 યોજના હેઠળ રીપેર કરાશે. જેમાં 80 ટકા ખર્ચ સરકાર ભોગવશે, બાકીનો 20 ટકા ખર્ચ 6 જેટલી સામાજિક સંસ્થાઓ ઉઠાવશે. તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં જળસંચય માટેના કામોમાં તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખાસ ખેડૂત સંગઠનોની માંગણી પ્રમાણે તંત્ર દ્વારા જિલ્લાના 300 જેટલા ચેકડેમો પસંદ કર્યા છે. જે ચેકડેમોને રીપેરીંગની જરૂર હોય, આવા ચેકડેમોનું રીપેરીંગ કામ 80/20 યોજના હેઠળ કરાશે. આ યોજનામાં ચેકડેમોનો 80 ટકા ખર્ચ સરકાર ભોગવશે. જ્યારે બાકીનો 20 ટકા ખર્ચ સામાજિક સંસ્થાઓ ભોગવશે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં જળ સંચયના વધુમાં વધુ કામો થાય તે માટે તંત્ર પ્રયત્નશીલ છે. 80/20 યોજનામાં યોગદાન આપવા માટે 5 જેટલી રાજકોટની સંસ્થાઓ અને એક મહેસાણાની સંસ્થા આગળ આવી છે. આ સંસ્થાના સહયોગથી ચેકડેમ રીપેર કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે જેમાં રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કરવાના થતા ચેકડેમ, તલાવડીઓના કામોનો તા.17 ફેબ્રુઆરીથી શુભારંભ થયો છે જે 31 મે સુધી ચાલશે. અગાઉ આ અંગે મુખ્ય સચિવ રાજકુમારે પ્રેઝન્ટેશન મારફતે જિલ્લા કલેકટરોને સંબોધતા જણાવ્યુ હતુ કે વર્ષ 2018થી શરૂ થયેલુ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત દર વર્ષે સારી કામગીરી કરવામા આવી રહી છે. વર્ષ 2023માં પણ આ અભિયાન પુરજોશમાં ચલાવવામાં કોઈ કસર છોડવાની નથી.
પ્રિ-મોનસુનની બેઠક સમય કરતાં વહેલી યોજી આગોતરી તૈયારીઓ ઉપર ભાર મુકાશે
રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં પ્રિ મોન્સૂનને લગતી બેઠકો મેં મહિનાથી શરૂ થતી હોય છે. પણ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર આ વખતે પ્રિ મોન્સુનને લઈને વધુ સતર્ક છે. જેથી આની બેઠકો 15મીથી જ શરૂ કરી દેવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. જેને પગલે વહેલાસર કામગીરી પણ શરૂ કરી શકાય.