- 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી હોકી અને સ્વિમીંગની સ્પર્ધા રમાશે
- 8 થી 11 સપ્ટેમ્બર માહોલ બનાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે
રાજકોટમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમીંગની સ્પર્ધા યોજાવાની છે. જેમાં દેશભરમાંથી 300થી વધુ ખેલાડીઓ રાજકોટ આવવાના છે. આ મેગા ઇવેન્ટનો માહોલ બનાવવા માટે 8 થી 11 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વખતે નેશનલ ગેમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે ત્યારે આ ઇવેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 27મી સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન આ નેશનલ ગેમ્સ ગુજરાતના વિવિધ શહેરોમાં યોજવામાં આવનાર છે. આ ગેમ્સમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર આ છ શહેરોની રાષ્ટ્રીય રમતઉત્સવ માટે પસંદગી કરવામાં આવી છે.
રાજકોટમાં હોકી અને સ્વિમીંગ સ્પર્ધા યોજાનાર છે. જેમાં અંદાજે 300થી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. આ સ્પર્ધકો માટે 35 જેટલી હોટેલો તંત્ર દ્વારા બુક કરવામાં આવી છે. વધુમાં આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે રાજકોટના આંગણે નેશનલ ગેમ્સની ભવ્ય ઇવેન્ટ યોજાવા જઇ રહી છે ત્યારે આને લઇને માહોલ બનાવવા 8 થી 11 સપ્ટેમ્બરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સ્પોર્ટ્સ, યોગા, સાઇકલીંગ એશોસિએશન સાથે મળી આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ફૂડ ફેસ્ટીવલ અને બાસ્કેટ રેલી જેવા કાર્યક્રમો યોજવાનું પણ હાથ ધરાયું છે.