સૌરાષ્ટ્રથી નિકળેલી યાત્રાની એક બસ પરત પહોંચી ગઈ, બીજી બસનો રાયપુર ખાતે મુકામ
જગન્નાથપુરી ગયેલા રાજકોટના ૩૦થી વધુ લોકો સલામત હોવાનું જિલ્લા વહીવટી તંત્રને જાણવા મળ્યું છે. ફેની વાવાઝોડાના કારણે ૩૦થી વધુ લોકો જગન્નાથપુરીમાં ફસાયા હતા પરંતુ હાલ તેઓ સલામત હોવાની જાણ ડિઝાસ્ટર વિભાગને થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સૌરાષ્ટ્રથી યાત્રા ઉપર નીકળેલી એક બસ પરત રાજકોટ ફરી ચુકી છે જયારે બીજી બસ રાયપુર ખાતે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ફેની વાવાઝોડાએ ઓરિસ્સામાં તબાહી સર્જી હતી ત્યારે યાત્રાધામ જગન્નાથપુરી ખાતે દર્શનાર્થે આવેલા અનેક ભાવિકો પણ ફેની વાવાઝોડાના કારણે ત્યાં ફસાયા હતા. આ તકે જામનગરથી નીકળેલી યાત્રાની બસમાં ગયેલા શ્રધ્ધાળુઓ પણ ત્યાં ફસાયા હતા. જેમાં રાજકોટના ૩૦થી વધુ લોકો હતા ઉપરાંત અમદાવાદ, જામનગર, ભાવનગર સહિતના શહેરોના લોકો પણ હતા.
આ યાત્રા સંઘ ગત તા.૧૮ના રોજ જામનગરથી નીકળ્યો હતો. કુલ ૭ બસ જગન્નાથપુરી પહોંચી હતી. જયાં તેઓએ કર્ણોક, ભુવનેશ્વર, કટક, મીનરાજ સહિતના શહેરોની મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ ગંગાસાગર ખાતે હતા ત્યારે ફેની વાવાઝોડુ આવ્યું હતું. જેમાં તેઓ ફસાયા હતા.
પરંતુ ડિઝાસ્ટર વિભાગે હાલ તેઓના ખબર અંતર પુછતા તેઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે. ટુર ઓપરેટર સતીષભાઈ પટેલ સાથે ડિઝાસ્ટર વિભાગે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ યાત્રીકો સલામત છે, એક બસ રાજકોટ પહોંચી પણ ગઈ છે જયારે બીજી બસ રાયપુર પહોંચી છે. આમ રાજકોટના તમામ યાત્રીકો સલામત હોવાથી ડિઝાસ્ટર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.