ર0 કિલો મગફળીના રૂ. 700 થી 1250 બોલાઇ રહ્યાં છે

હજુ સરકાર મગફળીની  ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહી છે, ત્યારે બીજી બાજુ ઉતાવળિયા અને જરૂરિયાતમંદ ખેડૂતો દ્વારા આવી રહેલા તહેવારો પહેલા રોકડી કરી લેવા માટે મોટા પ્રમાણમાં મગફળી વેચી રહ્યા છે અને તેને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે રૂ. 30 કરોડથી વધુની મગફળી ગઇકાલ સુધીમાં ઠલવાઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

આ વખતે મગફળીની આવક વિપુલ પ્રમાણમાં થવા પામી છે. તો બીજી બાજુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરાવાઈ છે, અને ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે પરંતુ જરૂરિયાતમંદ અને ઉતાવળિયા ખેડૂતો દ્વારા દિવાળીના દિવસો નજીકમાં આવી રહ્યા છે, ત્યારે પોતાની મગફળીના રૂપિયા ભલે ઓછા આવે પરંતુ રોકડા મળી જાય તે માટેની તૈયારી સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી લાવી રહ્યા છે.

જો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ મગફળીના ભાવની વાત કરીએ તો, હાલમાં 20 કિલો મગફળીના રૂપિયા 700 થી લઈને 1250 ચાલી રહ્યા છે. તો 66 નંબરની મગફળીનો ભાવ 1,253 સુધી ગઈકાલે બોલાયો હતો. જો કે વેપારીઓના કહેવા પ્રમાણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હજુ મગફળીના ભાવ ઊંચા જશે. કારણ કે હાલમાં ભેજવાળી મગફળી આવી રહી છે અને ભેજ ઉડતાં આ મગફળીનો ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી ગજેરાના જણાવ્યા અનુસાર ગઇકાલ સુધીમાં યાર્ડમાં અંદાજે 30 કિલો મગફળી ભરેલી લગભગ 2 લાખ જેટલી ગુણીની આવક થઈ છે અને જો સરેરાશ 1200 રૂપિયા લેખે તેની ગણતરી કરીએ તો રૂપિયા 30 કરોડની મગફળી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી ગઈ છે. તથા યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયેલ તમામ તૈયારીઓના કારણે આવનારા દિવસોમાં હજુ વધુ પ્રમાણમાં ખેડૂતો પોતાની મગફળી લઈને જૂનાગઢમાં વેચવા આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.