રેલવેને આઇઆરસીટીસી પર સંપૂર્ણ ભરોસો
સરકાર રેલવેનો હવાલો આઈઆરસીટીસીને સોંપવા માટે બ્લુ પ્રિન્ટ અને ટાસ્કફોર્સ તૈયાર કરી રહ્યું છે
રેલવે મંત્રાલય દ્વારા જે રીતે ટ્રેનોની સારસંભાળ લેવામાં આવતી હતી તેનાં પ્રમાણમાં જયારે આઈઆરસીટીસી દ્વારા આઈપીઓ ભરાયો તે ક્ષણથી રેલ મંત્રાલયની કાયા પલટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે. પહેલા લોકોને સરકારી આઈપીઓ પર સહેજ પર ભરોસો ન હતો પરંતુ જે રીતે આઈઆરસીટીસીનો આઈપીઓ ૧૧૨ ગણો વઘ્યો તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, લોકો હવે સરકારી આઈપીઓ પર વધુને વધુ ભરોસો રાખે છે. આ તકે રેલ મંત્રાલય આઈઆરસીટીસીને ૧૫૦ ટ્રેન અને ૫૦ રેલવે સ્ટેશનોનો હવાલો સોંપશે. જે દિશામાં હાલ કામગીરી હાથ ધરાઈ રહી છે.
આઈઆરસીટીસી જયારથી રેલ મંત્રાલયનો અતિરેક ચાર્જ અને અતિરેક જવાબદારી સંભાળી છે ત્યારથી તે વાત સ્પષ્ટ થાય છે કે, આઈઆરસીટીસી દ્વારા રેલવેની તમામ કામગીરી અને જવાબદારી પૂર્ણત: સંભાળાશે. હાલ તેજસ એકસપ્રેસને ખાનગીકરણ કરાતા અન્ય ટ્રેનોને આઈઆરસીટીસીને સોંપવા માટે જે કામગીરી હાથ ધરાઈ રહી છે તેનાથી લોકોને અનેકગણી સુવિધાઓ પ્રાપ્ત થશે તેમાં નવાઈ નહીં. દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ શરૂ કર્યા બાદ હવે ૧૫૦ ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. તેની સાથે જ રેલવે સ્ટેશનો પણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ બને તે માટે ૫૦ રેલવે સ્ટેશનનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવા નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતે રેલવે બોર્ડના ચેરમેન વી. કે. યાદવને પત્ર લખી જણાવ્યું છે. ખાનગીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા સચિવ સ્તરીય એમ્પાવર્ડ કમિટી બનાવવા સૂચન કરાયું છે. રેલવે બોર્ડના ચેરમેનને લખેલા પત્રમાં નીતિ આયોગના ચેરમેને જણાવ્યું છે કે, રેલવે મંત્રી સાથે લાંબી ચર્ચા બાદ ૧૫૦ ટ્રેનો અને ૫૦ રેલવે સ્ટેશનોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓ સંચાલિત ૧૫૦ ટ્રેન દેશભરની અન્ય ટ્રેનો માટે આદર્શ પુરવાર થશે.
રેલવે દ્વારા લાંબા સમયથી દેશના ૪૦૦ રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ સુવિધાથી સુસજ્જ કરવા કવાયત હાથ ધરી છે. પરંતુ આજદિન સુધી આ સ્ટેશનો પર સુવિધા ઉપલબ્ધ કરાવી શકાઈ નથી. ગણતરીના જ સ્ટેશનો પર અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે. આ સ્થિતિમાં દેશમાં ૫૦ સ્ટેશનોની પસંદગી કરી પ્રાથમિકતાના આધારે તે ખાનગી કંપનીને સોંપવા જોઈએ. વધુમાં જણાવ્યું છે કે, જે રીતે અમદાવાદ સહિત ૬ એરપોર્ટના ખાનગીકરણ માટે ઉચ્ચ સ્તરીય એમ્પાવર્ડ કમિટી બનાવવામાં આવી હતી, એજરીતે રેલવે સ્ટેશનોના ખાનગીકરણ માટે પણ નીતિ આયોગના સીઈઓ, રેલવે બોર્ડના ચેરમેન, આર્થિક બાબતોના વિભાગના સચિવ, શહેરી અને ગ્રામ્ય વિકાસ મંત્રાલયના સચિવને સામેલ કરી એમ્પાવર્ડ કમિટી બનાવી આ પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. એજરીતે દેશના મુખ્ય રૂટ પર દોડતી ૧૫૦ જેટલી ટ્રેનો પણ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે.
દેશની પહેલી ખાનગી ટ્રેન શરૂ થયા બાદથી જ અમદાવાદ સહિત દેશભરમાં રેલવે કર્મચારી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના અધ્યક્ષ આર. સી. શર્માએ જણાવ્યું કે, રેલવેએ ૧૫૦ ટ્રેનો અને ૫૦ રેલવે સ્ટેશનોનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાની કવાયત શરૂ કરી છે. એટલે કે આગામી દિવસોમાં સંપૂર્ણ રેલવે ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવે તો નવાઈ નહીં. આ સ્થિતિમાં હવે રેલવે કર્મચારીઓ પાસે વિરોધ પ્રદર્શન સિવાય કોઈ વિકલ્પ નથી. આઈઆરસીટીસી દ્વારા જયારથી ટ્રેન ઓપરેશનો સ્વિકારવામાં આવશે ત્યારથી માત્ર રેલવેમાં કેટરીંગ સર્વિસ નહીં પરંતુ ઓનલાઈન ટીકીટની પણ સુવિધાઓ યાત્રાળુઓને મળી રહે તે દિશામાં આઈઆરસીટીસી કામ કરી રહ્યું છે ત્યારે વધુને વધુ લોકો આઈઆરસીટીસીનો લાભ લ્યે તે દિશામાં પણ આઈઆરસીટીસી કામ કરી રહી છે અને વધુને વધુ લોકોનો ભરોસો જળવાય રહે તે દિશામાં પણ કામગીરી હાથ ધરાઈ છે.