૧૩,૩૩,૧૭૩ વ્યક્તિનો સર્વે કરાયો આશાવર્કર અને આંગણવાડી બહેનોની જોશભેર કામગીરી
૨૧મી સદીમાં હરણફાળ ભરતો ભારત દેશ આજે એકાએક થંભી ગયો છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં કોહરામ મચી જવા પામ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને તેને સંલગ્ન વિભાગોનોવેલ કોરોનાને ફેલાતો અટકાવવા માટે દિવસ રાત નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના સંકટ સામે લડવા માટે ૩૫૦ જેટલી ટીમને કાર્યાન્વિત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૩, ૩૩, ૧૭૩ વ્યક્તિઓના સર્વે થઈ ચૂક્યા છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો ન થાય તે માટે મલ્ટી હેલ્થ સર્વેલન્સ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, આશાવર્કર અને આંગણવાડી બહેનો ડોર ટુ ડોર સર્વેલન્સ કરી રહ્યા છે. રાજકોટ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા એસ.આર.પી કેમ્પમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમ ઉત્તમ કામગીરી અદા કરી રહી છે. દરેક ઘરે જઈને કોરોનાથી બચવા માટે કોરોના જાગૃતિલક્ષી પત્રિકાઓ આપીને તકેદારી રાખવાના પગલાઓ વિશે માહિતગાર કરી રહી છે. મલ્ટી પર્પસ હેલ્થ સર્વેના ઓફિસર તરીકે કામગીરી બજાવતા ભાવેશ એચ. ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો ન થાય તેને અનુસંધાને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ કરીને લોકોના સ્વાસ્થ્યનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય તો તેની નોંધ પણ રાખવામાં આવી રહી છે. ઘરમાં રહીને તમે અનેક લોકોના જીવને બચાવી શકો છો તેની જાગૃતિ આપવામાં આવે છે. જેથી કરીને લોકો સ્વેચ્છાએ વ્યાજબી કારણો વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે.
ઘંટેશ્વર ગામ અને એસ.આર.પી કેમ્પમાં ૩૦૦થી વધુ ઘરોનો સર્વેલન્સ કરી ચુકેલ ફિમેલ હેલ્થ વર્કર કિરણબેન ઓઝા અને આંગણાવાડી વર્કર દક્ષાબેન ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશને કોરોનાથી મુક્ત કરવા માટે જનતાને સૌપ્રથમ ઘરમાં રહેવાની સલાહ આપીએ છીએ. લોકોને વારંવાર સેનેટાઈઝ અને હેન્ડવોશથી હાથ સાફ કરવાની સલાહ આપીએ છીએ. આ ઉપરાંત ૧ મહિનાની અંદર કોઈ બહારની વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તો તેની વિગતો લઈ રહ્યા છીએ. લોકો સારો એવો સહકાર પણ આપી રહ્યા છે.