પ્રજાસતાક પર્વ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની હેલ્થ અને હોસ્પિટલ કમિટી તથા મધુરમ હોસ્પિટલ દ્વારા શ્રી આનંદમયી ક્ધયા વિદ્યાલય, રાધાનગર ખાતે સર્વ રોગ નુદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગ ના કુલ ૯ તબીબો એ હાજરી આપી વિનામૂલ્યે લોકો ની સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી.
આ તકે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ડો હેમાંગ વસાવડા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.
કેમ્પની શરૂઆત થતા પહેલા જ ૧૦૦ જેટલી જનતા એ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ ઉપરાંત પણ બહોળી સંખ્યા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં આવતા જો કોઈ દર્દીને ઓપરેશનની જરૂરિયાત જણાય તો તેમનું ઓપરેશન પણ વિનામૂલ્યે થાય તે પ્રકારની સહાયતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત દર્દીઓને દવામાં પણ ડિસ્કાઉન્ટ મળે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અશોક ડાંગર-પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસે જણાવ્યું હતું કે પ્રજાસતાક દેશમાં પ્રજાનું સ્વાસ્થ્ય જળવાય તે હેતુસર કોંગ્રેસ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની જનતાએ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે. કેમ્પમાં વિવિધ ક્ષેત્રની નામાંકિત તબીબોની ટીમ હાજર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની જનતાને દવામાં પણ લાભ થાય તે હેતુસર રાજકોટની આશાપુરા મેડિકલ સ્ટોર સાથે સંકલન કરી દવામાં આશરે ૧૫% જેટલી રાહત કરવામાં આવી છે.
ડો. હેમાંગ વસાવડાએ આ તકે તેમણે જણાવ્યું હતું કે આધુનિક યુગમાં લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તમામ ક્ષેત્ર ના દર્દીઓને આવરી લેતા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્ર જેમકે ન્યુરો સર્જન, ફિઝિશિયન, જનરલ ફિઝિશિયન, કાર્ડિયાક, ઓર્થોપેડિક સહિતના ૯ જેટલા નિષ્ણાંત તબીબોએ ભાગ લીધો છે અને તેઓ રાજકોટની જનતાને તમામ પ્રકારે સહાયતા કરી રહ્યા છે. જો કોઈ દર્દીને ઓપરેશન ની જરૂર જમાશે તો તેની પણ વિનામૂલ્યે કોંગ્રેસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.