દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના ૭૬૪ વ્યક્તિઓને મળશે લાભ
રાજ્ય સરકાર દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સમાજના મહત્વપૂર્ણ ભાગ સમાન દિવ્યાંગજનો આપબળે પગભર બની શકે તે હેતુસર રાજ્ય સરકારના જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના કાર્યરત છે.
આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપતાં રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા, દૃષ્ટિહીન તેમજ શ્રવણહીન વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન ૭૬૪ લાભાર્થીઓને આ યોજના થકી રૂા. ૬૫ લાખથી વધુની રકમ ચુકવવામાં આવી છે.
આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને કૃત્રિમ અવયવ માટે ઘોડી, કેલીપર્સ (બુટ), ત્રણ/બે પૈડાંવાળી સાયકલ, વ્હીલચેર આપવામાં આવે છે. ઉપરાંત દિવ્યાંગો સ્વરોજગારી મેળવી સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે તેથી તેમને હાથલારી, સિલાઈ મશીન, મોચીકામ માટેના સાધનો, સુથારી, ઇલેક્ટ્રિક રીપેરીંગ, કોમ્પ્યુટર રીપેરીંગના સાધનો, ભરત ગૂંથણ મશીન તેમજ એમ્બ્રોઇડરી મશીન પણ આપવામાં આવે છે.
ઉપરાંત, આ યોજના અન્વયે શ્રવણમંદ વ્યક્તિઓ માટે હીયરિંગ એઇડ તેમજ અન્ય સાધન સહાય, દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે સંગીતના સાધનોની પણ જોગવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત આર્થિક સાધન સહાય રૂ. ૧૦ હજારની મર્યાદામાં આપવામાં આવે છે. અને આ યોજનાનો લાભ રાજ્યના દરેક દિવ્યાંગજનોને મળી શકે તેવા ઉમદા હેતુસર રાજ્ય સરકાર દ્વારા આવકનું ધોરણ રદ કરવામાં આવ્યું છે.