900થી વધુ ઈજાગ્રસ્ત: આર્મી-એરફોર્સ-એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
ઓડિશાના બાલાસોરમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલું છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. દેશ વિદેશના દિગ્ગજ નેતાઓ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર હાવડાથી ચેન્નઈ તરફ જતી
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન દુર્ઘટનાને 12 કલાક વીતી ગયા હોવા છતાં હજુ પણ કેટલાક મૃતદેહો ટ્રેનના કોચમાં છે. હજુ પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. સીઆરએસ/એસઈ સર્કલ એએમ ચૌધરી અકસ્માતની તપાસ કરશે.
મળતી માહિતી મુજબ, ટ્રેનની બોગીમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે સેના પણ આ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે.
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ મુખ્યમંત્રી નવીન પટનાયક આજે સવારે બાલાસોર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ સાત વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. આજે ઓડિશામાં કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં.
તપાસ બાદ અકસ્માતનું કારણ બહાર આવશે: રેલવે મંત્રી
દુર્ઘટના બાદ ઘટનાની જાણકારી લેવા આવેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ ખૂબ જ દર્દનાક અકસ્માત છે. રેલ્વેની સાથે એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્ય સરકાર બચાવ કાર્યમાં લાગેલી છે. તમામ સંભવિત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અકસ્માતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ બાદ જ અકસ્માતનું કારણ બહાર આવશે.
અકસ્માતમાં ભોગ બનેલા માટે વળતરની જાહેરાત
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની રકમની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
વડાપ્રધાન મોદી સહિત અનેક દેશના ટોચના નેતાઓએ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ટ્વીટ કર્યું, ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું દુ:ખી છું. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટના સ્થળ પર
બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.ભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે પણ ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માતમાં 280 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે