મેલેરીયાના પણ ૯ કેસો નોંધાયા: એક જ શેરીમાં ચિકનગુનિયાના થોકબંધ કેસો છતા મહાપાલિકાના રેકોર્ડ પર અઠવાડિયામાં ચિકનગુનિયાના માત્ર ૧૬ કેસો જ નોંધાતા ભારે આશ્ર્ચર્ય
ભાદરવા મહિનામાં વરસાદે વિરામ લીધો છે અને સૂર્ય નારાયણ પૂરબહારમાં ખીલ્યા છે છતાં શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયાનો રોગચાળો કોઈ કાળે કાબુમાં આવવાનું નામ લેતો નથી. કોર્પોરેશનની કહેવાતી આરોગ્યલક્ષી કામગીરી તદન બેઅસર પુરવાર થઈ રહી હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૯ અને ચિકનગુનિયાના ૧૬ કેસો મળી આવ્યા છે. જયારે મેલેરીયા તાવના પણ ૯ કેસો નોંધાયા છે. એક જ શેરીમાંથી ચિકનગુનિયાના થોબંધ કેસો મળી આવે તેવી સ્થિતિ હોવા છતાં મહાપાલિકાના રેકોર્ડ પર સપ્તાહમાં ચિકનગુનિયાના ૧૬ કેસો નોંધાતા વધુ એકવાર પુરવાર થઈ ચુકયું છે કે, તંત્ર રોગચાળાના આંકડા છુપાવી રહ્યું છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય શરદી, ઉધરસ અને તાવના ૨૧૯ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૭૩ કેસ, ટાઈફોઈડ કેસના ૪ કેસ, ડેન્ગ્યુના ૯ કેસ, ચિકનગુનિયાના ૧૬૭ કેસ, મરડાના ૧૬ કેસ, મેલેરીયાના ૯ કેસ, કમળાના ૨ કેસ અને અન્ય તાવના ૨૯ કેસો નોંધાયા છે.ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૧૮ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૪૦ કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરી ૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જયારે મચ્છરની ઉત્પતિ સબબ ૧૯૮ આસામીઓને નોટિસ ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો છે.