હજુ ફોર્મ ભરવાના બે દિવસ બાકી હોય આ વખતે ઉમેદવારોની સંખ્યા રેકોર્ડબ્રેક નોંધાઈ તો નવાઈ નહિ
અબતક, રાજકોટ
ગુજરાતમાં ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાની ભરતી માટે 22 લાખ જેટલી ઓનલાઇન અરજીઓ પંચાયત પસંદગી મંડળને મળી છે. છેલ્લા 24 કલાકમાં જ ચાર લાખ જેટલી અરજીઓ થઇ છે. હજુ પણ ફોર્મ ભરવાના બે દિવસ બાકી છે ત્યારે અરજીઓની સંખ્યા વિક્રમજનક થશે. સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યના ઉમેદવારો રોજગારી માટે પ્રાઇવેટ સેક્ટરને બદલે સરકારી સેક્ટર ઉપર વધુ ભરોસો રાખી રહ્યા છે. કારણ કે સરકારી નોકરીમાં રોજગારીની સલામતી સૌથી વધુ હોય છે. વર્ગ-3માં આવતી તલાટી કમ મંત્રીની જગ્યાનું પગારધોરણ પણ ઘણું નીચું હોય છે અને પાંચ વર્ષ સુધી માત્ર 19950 રૂપિયા ફિક્સ પગારમાં નોકરી કરવાની હોવા છતાં લાખોની સંખ્યામાં શિક્ષિત યુવાનો આ જગ્યા માટે કમર કસી રહ્યા છે.
22 લાખ જેટલા ઉમેદવારીપત્રો અને 3437 જગ્યા પ્રમાણે ગણતરી કરીએ તો તલાટીની આ ભરતીની પ્રત્યેક જગ્યા માટે 640 યુવાનો વચ્ચે સ્પર્ધા થશે. અગાઉ વર્ષ 2018-19માં બહાર પાડવામાં આવેલી તલાટીની ભરતીમાં પણ 15 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, તે વખતે જિલ્લા પંચાયત પસંદગી સમિતિઓ દ્વારા ભરતી યોજાનાર હતી પરંતુ સરકારે તે ભરતી પ્રક્રિયા રદ કરીને સેન્ટ્રલાઇઝ ભરતી પ્રક્રિયા હાથ ધરી છે જેથી તે વખતે ફોર્મ ભરનારા ઉમેદવારોએ પણ આ વખતે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પંચાયત વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષની ખાલી જગ્યા એકસાથે ભરવાની મંજૂરી નાણા વિભાગ પાસેથી મેળવીને તમામ ખાલી રહેલી 3437 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. જેથી આ ભરતી પૂર્ણ થયા બાદ તલાટીની કોઇ જગ્યા ખાલી રહેશે નહીં. તે પછી રીટાયર્મેન્ટ કે રાજીનામાથી ખાલી પડતી જગ્યાઓ જ ખાલી રહેશે. સરકારી નોકરી માટે યુવાનો આજીવન ગામડામાં રહેવા તૈયાર
સામાન્ય રીતે રોજગારી માટે ગામડામાં રહેતા યુવાનો શહેર તરફ આવતા હોવાનો ટ્રેન્ડ જોવા મળે છે કારણ કે શહેરમાં રોજગારીની તકો વધારે હોય છે પરંતુ તલાટી કમ મંત્રીની નોકરી ગ્રામ પંચાયતમાં એટલે કે સંપૂર્ણ રીતે ગ્રામ્ય વિસ્તારની હોવાથી લાખો ઉમેદવારોએ સરકારી નોકરી માટે આજીવન ગામડાંમાં રહેવાની તૈયારી દર્શાવી છે. તેમાં પણ પાંચ વર્ષ સુધી તેમને માત્ર રૂ. 19950 ફિક્સ પગાર મળશે.
અગાઉની સરકારે તમામ ભરતી માટેની લઘુતમ લાયકાત ગ્રેજ્યુએશન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ નવી સરકારે તલાટીની ભરતી માટેની લઘુતમ લાયકાત ધોરણ-12 પાસ રાખી છે. ઉપરાંત તમામ ભરતી માટે વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરાયો છે. બીજી તરફ પંચાયત વિભાગે ખાસ કિસ્સામાં બે વર્ષનો વધારો કર્યો છે જેથી તલાટી ભરતીમાં ઉપલી વય મર્યાદામાં કુલ 3 વર્ષનો વધારો થતાં 36 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર બન્યા છે જ્યારે મહિલા અને અન્ય અનામત કેટેગરીમાં પણ મહત્તમ વયમર્યાદામાં છૂટછાટો મળતા કુલ 45 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.