787મતદાન મથકો પૈકી 265સંવેદનશીલ અને 164અતિ સંવેદન શીલ મથકો જાહેર
અબતક, દર્શન જોશી
જુનાગઢ
જૂનાગઢ જિલ્લામાં આવતી કાલે રવિવારે યોજાનાર 338 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બીજી બાજુ પેટા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ ગઈકાલે શુક્રવારના સાંજના પાંચ વાગ્યેથી શાંત થઇ ગયા છે, હવે ઉમેદવારો ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે.
ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ જિલ્લામાં 338 ગ્રામ પંચાયતોમાં 333 સરપંચો અને 1882 વોડેમાં સભ્યો માટેની ચૂંટણી આવતીકાલે રવિવારે સવારના 7 વાગ્યાથી સાંજના 6 સુધી યોજાશે. દરમિયાન આ ચૂંટણીમાં 787 મતદાન મથકો મુકરર કરાયા છે, જેમાંથી 265 સંવેદન શીલ અને 164 અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.
આ ચૂંટણીમાં એક બુથ પર પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા પટાવાળાના સ્ટાફ સહિત કુલ 120 અધિકારીઓ અને 5,143 નો સ્ટાફ ચૂંટણી માટે ફાળવાયો છે. જ્યારે 338 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીના મળી કુલ 5,81,311 5,81 મતદારો મતદાન કરવાના છે, ત્યારે 11,62,0000 મતદાન પત્રકો ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે, અને એક મતદાન મથક દીઠ 2 પેટી મુજબ 1,574 મતપેટીઓનો ઉપયોગ કરાશે. જેને લઇને 333 ભાવિ સરપંચો તથા 1882 સભ્યોનું ભાવિ મતદાન પેટીમાં કેદ થશે. અને મંગળવારે મત ગણતરી હાથ ધરાતાા 333 ગ્રામપંચાયતના 333 સરપંચો અનેે 1882 સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે.જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રેન્જ ડીઆઈજી. મનિન્દ્ર પ્રતાપસિંહ પવાર, એસપી. રવિ તેજા વાસમ શેટી ની સુચના મુજબ જિલ્લામાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર જુનાગઢ તાલુકા, મેંદરડા અને બીલખા વિસ્તારમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ભેસાણ વિસ્તારમાં ડીવાયએસપી આર.વી. ડામોર કેશોદ વિસ્તારમાં ડીવાયએસપી. જે.બી. ગઢવી, માણાવદર, વંથલી અને બાટવા વિસ્તારમાં ડીવાયએસપી એચ.એસ. રતનું, માંગરોળ, શીલ વિસ્તારમાં ડીવાયએસપી બી.જી. પુરોહિત અને માળિયા, ચોરવાડમાં ડીવાયએસપી કે.કે ઠાકોરને ખાસ સુપરવિઝન સોંપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ચૂંટણી બંદોબસ્તમાં એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. ભાટી, એ-ડિવીઝન પી.આઇ એમ.એમ. વાઢેર, વિસાવદર પી આઈ એન.આર .પટેલ, પીઆઇ ડી.જે .ઝાલા સહિતના અધિકારીઓને તૈનાત કરાયા છે. આમ ચૂંટણીને લઇ 6 ડીવાયએસપીના માર્ગદર્શનમાં 7 પી.આઈ; 31 પી.એસ.આઇ., 913 પોલીસ જવાનો, 1284 જી.આર.ડી, હોમગાર્ડ જવાનો, 68 હથિયારધારી એસ.આર.પી જવાનો મળી જિલ્લામાં કુલ 2117 પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ફરજ પર તૈનાત થઈ ગયો છે.
દરમિયાન આજે સવારના તમામ ચૂંટણી સ્ટાફ પોત-પોતાના સ્થળે ફરજ બજાવવા માટે રવાના કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી સંપન્ન થયા બાદ રવિવારની રાત્રે આ સ્ટાફ મત પેટી સાથે પરત ફરશે. અને 21 મી તારીખે મતગણતરી હાથ ધરાશે.