સૌરાષ્ટ્રના સૌથી મોટા યુદ્ધ તરીકે જેની ગણના કરવામાં આવે છે તે ભૂચરમોરી યુદ્ધનો વી.સ.1648માં શ્રાવણ વદ સાતમના દિવસે અંત આવ્યો હતો. આ યુદ્ધમાં 30 હજારથી વધુ યોદ્ધાઓએ શહીદી વ્હોરી હતી આ વીર યોદ્ધામાં વીર યોદ્ધા એવા શહીદ ભાણજીદલ જાડેજાની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું.
જામનગરના ધ્રોલમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને રેકોર્ડ રચ્યો છે. ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.
કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જામનગર પોલીસ વિભાગની પ્રખ્યાત રાસ મંડળીના અનુભવી પોલીસ કર્મચારીઓ પાસેથી દીકરીઓએ ખાસ તાલીમ મેળવી હતી. અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ આયોજિત કાર્યક્રમમાં યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
જામનગર જિલ્લાના ધ્રોલ પાસે ઐતિહાસિક મેદાન ભૂચર મોરી ખાતે મહાસંગ્રામ ખેલાયો હતો. કાઠીયાવાડની ખમીરવંતી ધરતી ઉપર ખેલાયેલા મોટા યુધ્ધ પૈકીનું એક ભૂચર મોરીનું યુધ્ધ હતું. વિક્રમ સંવત 1648માં આ મહાયુદ્ધ થયું હતું. શરણે આવેલા ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝ્ઝફર શાહ (ત્રીજા)ને બચાવવા જામનગરમાં જામ શ્રી સતાજીએ દિલ્હીના બાદશાહ અકબર સામે આ મહાસંગ્રામ ખેલ્યો હતો.