દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે તેવા સંજોગોમાં જિલ્લામાં ફટાકડાના લાઇસન્સ માટે માત્ર ત્રણ જ નવી અરજી આવી છે. જોકે, નિયમોનું પાલન કરાવવાની તંત્રની ફરજ છે અને લોકોમાં પણ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવી માંગણી ઉઠી રહીં છે.સુરેન્દ્રનગરમાં દર દિવાળીએ લારીઓ, મંડપો અને દુકાનો સહિત 500થી વધુ વેચાણ કેન્દ્રો ઉપર ફટાકડાનુ ધુમ વેચાણ થતું હોય છે.
ફટાકડાના મોટાભાગના વેપારીઓ નિયમ મુજબના લાયસન્સ વિના ગેરકાયદે વેચાણ કરતા હોવાનું મનાય છે. તંત્ર દ્વારા કયારેય ચેકીંગ કરીને કડક પગલા લેવામાં આવતા ન હોવાથી વેપારીઓને નિયમોનો ભંગ કરવા માટે મોકળુ મેદાન મળતુ હોવાનું મનાય છે. આ અંગે વધુ જાણવા મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગરમાં ફટાકડા વેચવાનુ કાયમી લાયસન્સ ધરાવનારાઓ ઉપરાંત આ વર્ષે લાયસન્સ માટે નવી ફકત ત્રણ અરજીઓ આવી હોવાનું જાણવા મળે છે.
તેથી કેટલા ધંધાર્થીઓ લાયસન્સ વિના ફટાકડાનુ વેચાણ કરે છે? કાયમી લાયસન્સ ધરાવનારાઓનુ લાયસન્સ નિયમ મુજબ ત્રણ વર્ષે રીન્યુ થયેલ છે કે નહિ? લાયસન્સ ધરાવતા વેપારીઓ નિયત સ્ટોક કરતા ફટાકડાનો વધુ સંગ્રહ કરે છે કે નહિ? તેનુ ચેકીંગ થાય તે જરૂરી હોવાનું મનાય છે.
આ ઉપરાંત ફટાકડાના વેચાણ કેન્દ્રો ઉપર ફાયર સેફટી માટે રેતી ભરેલી ડોલ, આગ ઠારવા માટેના ગેસના સિલીન્ડર, પાણી જેવી વસ્તુઓ રાખવાનુ ફરજિયાત છે. આ નિયમોનો મોટાભાગના વેચાણ કેન્દ્રો ઉપર ભંગ થતો જોવા મળે છે જાહેર હિતમાં આવા નિયમભંગ બદલ પણ કડક કાર્યવાહી થવી જોઈએ. ચાઈનીઝ ફટાકડાના વેચાણ ઉપર સરકારનો પ્રતિબંધ છે તેમ છતાં કેટલાક વેપારીઓ ચાઈનીઝ ફટાકડા બેરોકટોક વેચે છે.