- પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 15 એપ્રિલના રોજ જાહેર કરાશે
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 2.35 લાખ જેટલી અરજીઓ શિક્ષણ વિભાગને મળી હતી. આ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવ્યા બાદ 20944 અરજીઓ અમાન્ય ઠરી છે. જેથી જે અરજીઓ અમાન્ય ઠરી છે તેના અરજદારો 6 એપ્રિલ સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ફરીથી અરજીઓની ચકાસણી કરવામાં આવશે. આ કાર્યવાહી 8 એપ્રિલના રોજ પુર્ણ થયા બાદ 15 એપ્રિલના રોજ પ્રવેશની ફાળવણી કરાશે.
આરટીઈ એક્ટ અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા પ્રમાણે ધો.1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા 5 માર્ચના રોજ જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 235387 ઓનલાઈન અરજીઓ વેબપોર્ટલ પર મળી છે. આ ઓનલાઈન મળેલી અરજીઓની ચકાસણી કરવાની પ્રક્રિયા જિલ્લા કક્ષાએ 14 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આવેલી અરજીઓની જિલ્લા કક્ષાએ ચકાસણી બાદ કુલ 20944 અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થયેલી છે.આમ, જે અરજદારોની ઓનલાઈન અરજી રિજેક્ટ થયેલી છે,
માત્ર તેવા અરજદારો 4 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન ઓનલાઈન વેબપોર્ટલ પર જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી રિજેકટ થયેલી અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માગતા હોઈ તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. જે અંગેની જાણ અરજદારોને એસએમએસ દ્વારા પણ કરવામાં આવશે. આ સમયગાળા બાદ રિજેક્ટ થયેલી અરજીઓની પુનઃ ચકાસણી જિલ્લા કક્ષાએ 4 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રિજેક્ટ થયેલી અરજીમાં કોઈ સુધારો કરવા ન માગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમાનુસાર આરટીઈ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 15 એપ્રિલના રોજ જાહેર કરાશે.