- કિડનીનું મહત્વ અને જનજાગૃતિ
- કિડનીના ફલ્યોરથી બચવા બી.પી. ડાયાબિટીસ કંટ્રોલ રાખવુ, ક્ષારમુકત જરૂરીયાત મુજબ પાણી પીવું જરૂરી
માનવ શરીર ખુબ જ જટિલ છે, જેમાં દરેક અંગની આગવી વિશેષતા સાથે વિશિષ્ઠ કામગીરી રહેલી છે. કોઈ એક અંગ કાર્ય કરતુ બંધ થાય ત્યારે તેની દુરોગામી અસર માનવ શરીર પર થતી હોય છે. હૃદય, ફેફસા, બ્રેઈન જેમ જ કિડની પણ માનવ જીવને સંચાલિત કરવામાં આગવી ભૂમિકા ભજવે છે, ત્યારે કિડનીનું મહત્વ અને તેને થતા રોગોથી થતા દુષ્પરિણામોની જનજાગૃતિ અર્થે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની દિવસ ઉજવવામાં આવે છે.
કિડની ફેલ્યોર અંગે મુખ્યત્વે ક્ષારયુક્ત પાણીથી થતી પથરી, ડાયાબિટીસ કે જેમાં લોહીમાં સુગરનું પ્રમાણ ખુબ રહેતું હોઈ, બ્લડ પ્રેસર કે જે કિડની પર પણ પ્રેસર કરે છે અને આજની લાઈફ સ્ટાઈલ જેમાં જંકફૂડ અને ઓબેસિટીના કારણે કિડનીની કાર્યક્ષમતા પર આડ અસર થતા તે સમયાંતરે ફેલ્યોર થતી જાય છે. આનાથી બચવા માટે બી.પી. ડાયાબિટીસ કંટ્રોલ રાખવો, ક્ષાર મુક્ત જરૂરિયાત મુજબ ફિલ્ટરનું શુદ્ધ પાણી પીવું વગેરે જરૂરી હોવાનું ડો. વિશાલ જણાવે છે.
સિવિલ ખાતે કરવામાં આવતા ડાયાલીસીસની આંકડાકીય વિગતો આપતાં ટેક્નિશિયન હેડ મનીષ ઝાલા અને કૌશલેન્દ્ર સિંહ જણાવે છે કે, ગત ફેબ્રુઆરી માસમાં કુલ 1,528 જેટલા ડાયાલીસીસ સહીત વર્ષ 2023 માં 17,728 અને છેલ્લા ચાર વર્ષમાં 69,599 ડાયાલીસીસ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે 6 વર્ષના બાળકથી લઈ મોટી ઉંમરના 110 જેટલા દર્દીઓ નિયમિત રીતે સપ્તાહમાં બે થી ત્રણ વખત ડાયાલીસીસ માટે આવે છે. જેઓને સ્કેડ્યુલ મુજબ અગાઉથી જાણ કરવામાં આવે છે. આ સાથે દર્દીઓને નિ:શુલ્ક ભોજન, બ્લડ રિપોર્ટ્સ તેમજ રૂ. 300 જેટલું એલાઉન્સ પ્રતિ ડાયાલીસીસ આપવામાં આવે છે.
રાજકોટની પદ્મકુંવરબા ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે પણ આ સુવિધા ઉપલબ્ધ છે. ડો. નૂતન જણાવે છે કે, અહીં 12 બેડ અને 12 ડાયાલીસીસ મશીન દ્વારા નિયમિતપણે 45 જેટલા દર્દીઓને મહીને આશરે 600 થી 700 જેટલી ડાયાલીસીસ સાઈકલ કરવામાં આવે છે. ગત માસમાં 394 સહીત વર્ષ 2023 માં કુલ 5077 ડાયાલીસીસ કરવામાં આવ્યા છે.
રાજકોટ સિવિલ ખાતે છેલ્લા ચાર વર્ષથી નિયમિત ડાયાલીસીસ કરાવતા રમણીકભાઇ મારકણા કહે છે કે તેમના પરિવારના પાંચ સભ્યોમાં તેઓ મોભી હોઈ આટલો મોટો ખર્ચ કરી શકે તેમ નથી પરંતુ રાજ્ય સરકારની સહાયથી તેઓ કિડની ફેલ્યોર હોવા છતાં ડાયાલીસીસ કરાવી તેઓના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે. આવા હજારો દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ડાયાલીસીસના દર્દીઓને આયુષ્માન કાર્ડ યોજના મદદરૂપ બની આર્થિક રીતે સધિયારો સાંપડી રહ્યો છે.