સરહદી વિસ્તારમાંથી પેટ્રોલીંગ કરતા બીએસએફ જવાનોએ ચરસ ભરેલી ૧૩ બોરી પકડી પાડી
એક સપ્તાહમાં જ પોણા કરોડના ચરસનો જંગી જથ્થો ઝડપાતા નારકોટિસ સેલ અને એટીએસ સહિતની એજન્સીઓ સતર્ક
કચ્છના જખો વિસ્તારમાં આંતરાષ્ટ્રીય દરીયાઇ સરહદ પાર કરી અવારનવાર ચરસ અને હેરોઇનના જથ્થા ઝડપાતા રહે છે. ત્યારે આજ રોજ કચ્છમાં કોરી ક્રિક વિસ્તારમાં બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન રૂ.૧૯ લાખની કિંમતનું ૧૩ બોરી ચરસની રેઢી મળી આવી હતી. છેલ્લા એક સપ્તાહમાં કચ્છના સરહદી વિસ્તારમાંથી પોણા કરોડનો ચરસનો જથ્થો મળી આવ્યો છે.
કચ્છમાં સતત બીજા દિવસે પણ કોરી ક્રિક વિસ્તાર પાસે બીએસએફ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે દરીયાઇ વિસ્તારમાં ચરસની ૧૩ બોરી મળી આવી છે. જેની અંદાજીત કિંમત રૂ.૧૯ લાખની આંકવામાં આવી છે. બીએસએફના જવાનોએ ચરસનો જથ્થો પોલીસને સોંપી વધુ તપાસ હાથધરી છે.
ગઈ કાલે હજુ રૂ.૩૦ લાખની કિંમતના ૧૯ પેકેટ ચરસના ઈન્ટેલિજન્સ ટીમને હાથ લાગ્યા હતા. જ્યારે ગત ૨૦મી ના રોજ એસઓજીએ શેરખણ પાસેથી રૂ.૨૪ લાખની કિંમતનો ૧૬ પેકેટ ચરસનો જથ્થો મળ્યો હતો. ત્યારે છેલ્લા ૧૧ દિવસમાં સરહદી દરિયાઈ વિસ્તારમાંથી ચોથી વખત ચરસનો જથ્થો મળી આવ્યો છે.
પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ કચ્છના લાંબા દરિયાઈ વિસ્તારનો લાભ ઉઠાવી ચરસ અને હેરોઇનનો જથ્થો દેશભરમાં પહોંચાડે છે. ત્યારે છેલ્લા ૧૧ દિવસમાં પોણા કરોડનો ચરસનો જથ્થો ચાર ચાર વખત મળી આવતા નારકોટિસ સેલ અને એટીએસના સુરક્ષિત એજન્સીઓ સતર્ક થઈ છે.