પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલો ગીર-સોમનાથ જિલ્લો
અબતક,અતુલ કોટેચા
વેરાવળ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતિની મુહિમને સફળતા મળી રહી છે. માત્ર ગીર સોમનાથ જિલ્લામાં જ 12000થી વધુ ખેડૂતો મગફળી, ઘઉં, શેરડી, કેસર કેરી, નાળિયેરી સહિતના પાકોની પ્રાકૃતિક ખેતિ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતિ હાલ ગીર સોમનાથ જિલ્લામાં 7000 જેટલા હેક્ટરમાં કરવામાં આવી રહી છે. આમ, પ્રાધનમંત્રી મોદીના બેક ટુ બેસિકના આહ્વવાનને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આવકારી રહ્યા છે.
જિલ્લામાં 7 હજાર હેક્ટર જમીન ઉપર રાસાયણીક ખાતર અને જતુંનાશક દવાઓના ઉપયોગ વગર કેસર કેરી, નાળીયેરી, મગફળી, ઘઉં, શેરડી સહિતના પાકોમાં ખેડૂતોને સારી ઊપજ મળી
ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખતિની ગતિવધિઓની વાત કરતાં જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી વાઘમશી કહે છે કે, રાજ્ય સરકાર અને રાજ્યપાલ દેવવ્રતના સનિષ્ઠ પ્રયાસોથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતિ વિશે જાગૃતિ જોવા મળી રહી છે. આ માટે રાજ્ય સરકારે ઘણી પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરી છે. જેથી ખેડૂતો આ યોજનાઓનો લાભ મેળવી પ્રાકૃતિક ખેતિ તરફ વળી રહ્યા છે. ખેડૂતો આગામી સમયમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ગેનિક ખેતિ તરફ વળશે. કારણે કે, જે ખેડૂતો આ ખેતિ કરી રહ્યા છે. તેને તેનો ખૂબ લાભ મળી રહ્યો છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતિથી થતી ઉપજ આરોગ્યપ્રદ હોવાની સાથે તેનો બજાર ભાવ પણ ખેડૂતોને સારો મળે છે.
જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે ખેતી ઓછી ખર્ચાળ બનાવવા તેમજ તંદુરસ્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી એક માત્ર ઉત્તમ વિકલ્પ બનીને ઉભરી રહ્યો છે..લાંબા સમયથી રાસાયણિક પદાર્થોના ઉપયોગથી આજે ખેડૂતોની જમીન, બિયારણો, પાણી, પર્યાવરણ વગેરે દૂષિત થવાની સાથે પાકોની ગુણવત્તા પણ બગડે છે. ઉપરાંત જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઉપર માઠી અસર થાય છે. આમ, રાસાણિક પદાર્થોના વધારે પડતા ઉપયોગથી પર્યાવરણ, મનુષ્ય અને પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર તેની વિપરીત અસર થાય છે. ત્યારે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી લાવવામાં આવતી નથી. ખેડૂતો જાતે જ દેશી અથવા ગીર ગાયના છાણ અને ગોમૂત્ર દ્વારા બનાવેલ જીવામૃત, બીજામૃત ઘન જીવામૃત વગેરેના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અભિયાનનો વ્યાપ વધારવા આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ, પ્રવાસ અને વિવિધ કાર્યક્રમ દ્વારા ઓર્ગેનિક કૃષિ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે જિલ્લાના તમામ તાલુકામાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવામાં આવ્યા છે. જ્યાં તાલુકાના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન મળી રહે અને પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમ ખેતિવાડી અધિકારી એસ.બી. વાઘમશીએ જણાવ્યું હતું.