પ્લાસ્ટિક મલ્ચિંગ માટે ગુજરાત સરકારની વાર્ષિક રૂ. 20,800ની સહાય: પ્લાસ્ટિક મલ્ચિંગથી પાણીની બચત સાથે ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે
ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર ખેતીમાં અભિનવ પ્રયોગો માટે ખેડૂતોને પ્રેરિત કરી વિવિધ પ્રકારની સહાય પણ ઉપલબ્ધ કરાવે છે. હાલ વિવિધ પાકોમાં પ્લાસ્ટીક મલ્ચિંગનો ઉપયોગ થવા લાગ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પ્લાસ્ટિક મલ્ચિંગ માટે ચાલુ નાણાકીય વર્ષમાં 1000થી વધુ ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવી છે.
નાયબ બાગાયત નિયામક ની કચેરી દ્વારા જિલ્લામાં ખેડૂતોને બાગાયતને લગતી વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાઈ રહ્યો છે. મદદનીશ બાગાયત નિયામક હિરેન ભીમાણીના જણાવ્યા પ્રમાણે, ખેડૂતો પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરતા થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિ હેક્ટર રૂપિયા 20,800ની સહાય અપાય છે અને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય એક વર્ષ માટે આપી શકાય છે. જો કે આવી સહાય દર વર્ષે મળવાપાત્ર છે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં પણ ખેડૂતો ખેતીમાં પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરતા થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 1000થી વધુ ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવી છે. નોંધનીય છે કે, પાકના ઉત્પાદન ઉપર ઘણા પરિબળો અસર કરતા હોય છે. પાણીની સમજણ અને વિવેકપૂર્વકનો ઉપયોગ ખેતીમાં ખૂબ જ જરૂરી છે. જયાં પાણીની અછત હોય ત્યાં તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. કેટલીક જગ્યાએ નહેરની સગવડ થતાં અણસમજ તથા બિનકાળજીના કારણે વધુ પિયત આપવા તથા વધુ જથ્થામાં પાણી આપવાને કારણે જમીન ક્ષારીય બનવી જેવા ઘણા પ્રશ્નો સામે આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે પ્લાસ્ટિક મલ્ચિંગ ખૂબ જ ઉપયોગી છે.
શું છે પ્લાસ્ટિક મલ્ચિંગ ?
મુખ્ય પાકના છોડની આજુબાજુ આવેલી ખુલ્લી જમીન પરના ઘાસ, અન્ય અવશેષોને પ્લાસ્ટિક વગેરે વડે ઢાંકવાની પ્રક્રિયાને આવરણ (મલ્ચિંગ) કહે છે. જેનાથી પાકની વૃદ્ધિ અને વિકાસમાં વધારો થાય છે. આજના પ્લાસ્ટિક યુગમાં પ્લાસ્ટિક મલ્ચિંગ ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાંનો સૌથી અસરકારક અને સરળ ઉપાય છે. પ્લાસ્ટિક મલ્ચિંગ જમીનમાંથી ભેજને ઊડી જતો અટકાવી પાણીનો બગાડ અટકાવે છે અને ઉત્પાદન વધારે છે.મોટે ભાગે તડબુચના પાકમાં ઉપરાંત ટામેટી, મરચી, તુરિયા, કાકડી વગેરે જેવા શાકભાજીના પાકોમાં તેમજ કપાસમાં પણ મલ્ચિંગનો સફળતાપૂર્વક ઉપયોગ થાય છે.