રૂડાએ ઝોનીંગ સર્ટીફીકેટની કામગીરી કોર્પોરેશનને સોંપી દીધી પરંતુ સ્ટાફ અને ઈન્ફાસ્ટ્રકચરના અભાવે અરજીઓના થપ્પા લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં પાંચ મહિના પૂર્વે ચાર ગામોનો સમાવેશ કરાયા બાદ રૂડા દ્વારા ઝોનીંગ સર્ટીફીકેટ આપવાની કામગીરી કોર્પોરેશનને સોંપી દેવામાં આવી છે પરંતુ પુરતુ ઈન્ફાસ્ટ્રકચર અને સ્ટાફના અભાવે હાલ ઝોનીંગ સર્ટીફીકેટની 1000થી પણ વધુ અરજીઓ પેન્ડીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક વ્યક્તિ દ્વારા જ કામગીરી કરવામાં આવતી હોવાના કારણે બિલ્ડીંગ પ્લાન મુકનાર લોકોને અનેક ધક્કાઓ ખાવા છતાં સર્ટીફીકેટ મળતું નથી જેના કારણે ભારે દેકારો બોલી જવા પામ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન અને આસપાસના વિસ્તારોમાં ડેવલોપમેન્ટ પ્લાન રૂડા દ્વારા તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી સત્તા મંડળ દ્વારા જ ઝોનીંગ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવતા હતા પરંતુ થોડા મહિના પહેલા મહાપાલિકા હદમાં ઘંટેશ્ર્વર, માધાપર, મુંજકા, મોટા મવા અને મનહરપુરાનો સમાવેશ કરાયા બાદ રૂડાએ ઝોનીંગ સર્ટીફીકેટ આપવાની કામગીરી બંધ કરી આ કામ મહાપાલિકાને સોંપી દીધું છે. કોર્પોરેશન પાસે ઝોનીંગ સર્ટીફીકેટ માટે પુરતું ઈન્ફાસ્ટ્રકચર નથી અને સ્ટાફ કે પ્રિન્ટર પણ નથી. છેલ્લા ચાર મહિનામાં 1400થી વધુ ઝોનીંગ સર્ટીફીકેટ મેળવવાની અરજી આવી છે જે પૈકી હાલ 1000 જેટલી અરજી પેન્ડીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડીપીના પાર્ટ પ્લાન્ટના આધારે ઝોનીંગ સર્ટી આપવામાં આવે છે જેમાં પાર્ટ પ્લાનની ફી રૂા.300 અને સર્ટી આપવાની ફી રૂા.200 વસુલ કરવામાં આવે છે. હાલ મહાપાલિકા પાસે ઝોનીંગ સર્ટીફીકેટ માટેનું પ્રિન્ટર પણ ન હોવાથી ઝેરોક્ષ કરી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. એક કર્મચારી દ્વારા જ આ કામગીરી કરવામાં આવતી હોવાના કારણે અનેકવાર ધક્કા ખાવા છતાં અરજદારોને ઝોનીંગ સર્ટીફીકેટ મળતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
પ્રિન્ટીંગ મશીનની કિંમત રૂા.2 લાખ જેવી થવા પામે છે અને આ મશીન ખરીદવા માટે ઈડીપી વિભાગને જાણ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી પ્રિન્ટર ખરીદવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. શાસક પાંખના અભાવે જાણે અધિકારીઓને છુટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ આખા રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ઝોનીંગ સર્ટીફીકેટની કામગીરી રૂડા દ્વારા કરવામાં આવતા લોકોને સરળતાથી આ સર્ટીફીકેટ મળી જતું હતું પરંતુ હવે એકાએક આ કામગીરી કોર્પોરેશનને સોંપી દેવાતા ઈન્ફાસ્ટ્રકચર અને અનુભવની કમીના કારણે સમગ્ર પ્રક્રિયા ખુબજ મુશ્કેલ બની જવા પામી છે. બપોરબાદ તો જાણે ટીપી વિભાગમાં મેળાવડો જામ્યો હોય તેવો માહોલ જોવા મળે છે. એક ઝોનીંગ સર્ટીફીકેટની 1000 અરજી પેન્ડીંગ હોય આવામાં લોકોને તાત્કાલીક સર્ટીફીકેટની જરૂર પડે તો અરજીઓના થપ્પામાંથી પોતાને પોતાની અરજી શોધી જાતે જ કામગીરી કરવાની રહે છે. આ કામગીરી કરતા કર્મચારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયો છે પણ તંત્રનું પાણી પણ હલતું નથી.